- શ્રીલંકામાં ભારતની યજમાનીની તૈયારીઓ ચાલુ
- શ્રીલંકાના કેપ્ટન ધમ્મિકા નિરોશનની થઇ હત્યા
- હુમલાખોરની ઓળખ હજુ સુધી જાણી શકાઇ નથી
શ્રીલંકામાં ભારતની યજમાનીની તૈયારીઓ ચાલી રહી છે. શ્રીલંકાએ 27મી જુલાઈથી ટીમ ઈન્ડિયા સામે 3 મેચની T20 સિરીઝ શરૂ કરવાની છે અને ત્યારબાદ 2જી ઓગસ્ટથી 3 મેચની વનડે સિરીઝ રમાશે. જો કે આ પહેલા શ્રીલંકાથી એક દુખદ સમાચાર સામે આવી રહ્યા છે. અંડર-19 વર્લ્ડકપમાં શ્રીલંકન ટીમની કેપ્ટનશિપ કરનાર ધમ્મિકા નિરોશનની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. કોઈ અજાણ્યા વ્યક્તિએ નિરોશન પર હુમલો કરીને તેની હત્યા કરી નાખી. હુમલાખોરનો હેતુ અને ઓળખ હજુ સુધી જાણી શકાયું નથી.
ધમ્મિકા નિરોશનની ગોળી મારીને હત્યા
પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે પૂર્વ અંડર-19 ક્રિકેટર ધમ્મિકા નિરોશન ઉર્ફે 'જોન્ટી' (41)ની ગઈકાલે રાત્રે અંબાલાંગોડાના કંડેવટ્ટે વિસ્તારમાં તેના ઘરની સામે ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નિરોશન તેની પત્ની અને બે બાળકો સાથે હતો જ્યારે તેના ઘરની સામે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે પૂર્વ ખેલાડીને 12 બોરની બંદૂકથી ગોળી મારી હતી. પોલીસે હજુ સુધી શંકાસ્પદ અને ગોળીબાર પાછળના હેતુની ઓળખ કરી નથી, પરંતુ તપાસ ચાલુ છે.
ધમ્મિકાએ 2000માં અંડર-19 સ્તરે કર્યું હતું ડેબ્યૂ
તમને જણાવી દઈએ કે ધમ્મિકા નિરોશન રાઇટી ખેલાડી હતો. તેણે 2000માં અંડર-19 સ્તરે શ્રીલંકા માટે ડેબ્યૂ કર્યું હતું અને બાદમાં 2002 વર્લ્ડકપમાં ટીમનું સુકાન સંભાળ્યું હતું. તેમની કપ્તાની હેઠળ, શ્રીલંકાએ ગ્રુપ સ્ટેજમાં 7 પોઈન્ટ સાથે સુપર લીગમાં સ્થાન મેળવ્યું હતું પરંતુ ત્યારબાદ ભારત, પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ સામે ગ્રુપ 1 માં હારનો સામનો કરવો પડ્યો હતો. આ રીતે શ્રીલંકન ટીમનું સેમિફાઈનલમાં પહોંચવાનું સપનું ચકનાચૂર થઈ ગયું.
ધમ્મિકા નિરોશનના ઘરેલુ ક્રિકેટના આંકડાઓ પર એક નજર
ધમ્મિકા નિરોશન ક્યારેય શ્રીલંકા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે સિનિયર ટીમ માટે રમી શક્યો ન હતો. તેણે ડોમેસ્ટિક ક્રિકેટમાં ભાગ લીધો હતો પરંતુ ત્યાં પણ તેની કારકિર્દી લાંબો સમય ટકી ન હતી. નિરોશને 12 ફર્સ્ટ ક્લાસ મેચમાં 269 રન બનાવ્યા અને 19 વિકેટ લીધી. 8 લિસ્ટ A મેચમાં, તેણે 48 રન બનાવ્યા અને 5 વિકેટ લીધી હતી.