• ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા
  • KKRને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભુમિકા ભજવી
  • ગૌતમ ગંભીરે KKR ફેન્સ માટે ખાસ વીડિયો શેર કર્યો

ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બન્યા છે. કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2024નો ખિતાબ જીત્યા બાદ ગંભીરે મુખ્ય કોચ તરીકે ટીમ ઈન્ડિયામાં પ્રવેશ કર્યો છે. હવે ટૂંક સમયમાં ટીમ ઈન્ડિયા સાથે તેની સફર શરૂ થશે, જેનાથી ચાહકોને ઘણી અપેક્ષાઓ છે. શ્રીલંકા પ્રવાસથી શરૂ થઈ રહેલા આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાતની દરેક વ્યક્તિ રાહ જોઈ રહ્યા છે.

ગૌતમ ગંભીરે શેર કર્યો ખાસ વીડિયો

આ જાહેરાત પહેલા જ ગંભીરે એક વીડિયો જાહેર કર્યો છે, જેમાં તેણે પોતાના અવાજમાં એક ખાસ સંદેશ આપ્યો છે. કોલકાતા નાઈટ રાઈડર્સના પ્રશંસકો માટે આ એક સંદેશ છે, જે એક તરફ ધૂમ મચાવશે તો બીજી તરફ આ ચાહકોને ભાવુક પણ કરશે.


ગંભીરે KKRને 2 વખત ચેમ્પિયન બનાવી

લગભગ 7 વર્ષ સુધી IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સના કેપ્ટન રહેલા ગૌતમ ગંભીરે ટીમને બે વખત IPL ચેમ્પિયન બનાવી હતી. આ પછી, ગયા વર્ષે ગંભીર ફરીથી KKRમાં પાછો ફર્યો અને આ વખતે તે ટીમનો મેન્ટર બન્યો. તેની વાપસીથી ચાહકો ખૂબ જ ખુશ થયા અને આ ખુશી ત્યારે વધુ વધી જ્યારે કોલકાતાએ 10 વર્ષની રાહ જોયા બાદ ફરીથી IPL ટાઇટલ જીત્યું.

KKR ફેન્સ માટે ખાસ વીડિયો

BCCIએ ગંભીરની ટીમ ઈન્ડિયાના નવા કોચ તરીકે નિમણૂક કરી. ગંભીર અને KKR વચ્ચેનો સંબંધ એટલો ઊંડો અને ખાસ હતો કે જતા પહેલા ગંભીરે ફેન્સ માટે ખૂબ જ ભાવનાત્મક સંદેશ તૈયાર કર્યો અને કોલકાતાના ઈડન ગાર્ડન્સમાં તેનો વીડિયો શૂટ કર્યો. ગંભીરે કોલકાતાના ફેન્સને કહ્યું કે જ્યારે તે તેઓ જીતે છે, ત્યારે જ પોતે જીતે છે અને તે પણ તેમનામાંથી એક છે.

'એક નવી કહાની લખીશ..!'

ગંભીરે પોતાના સંદેશમાં કહ્યું કે તેણે તેના જીવનમાં ઘણી વખત અસ્વીકારનો સામનો કર્યો છે પરંતુ કોલકાતાની જેમ તે હંમેશા ઉભા રહે છે. કોલકત્તાને ખાસ અપીલ કરતાં ગંભીરે કહ્યું કે હવે નવી વાર્તા લખવાનો સમય આવી ગયો છે અને તે KKRના જાંબલી રંગમાં નહીં, પરંતુ ટીમ ઈન્ડિયાના વાદળી રંગમાં હશે અને જે ત્રિરંગા માટે હશે. લગભગ અઢી મિનિટનો આ વીડિયો માત્ર KKRના ફેન્સને જ નહીં પરંતુ ટીમ ઈન્ડિયાના ફેન્સને પણ પ્રેરણા આપનારો છે.

  • Follow us on: