- દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝની ટેસ્ટ મેચમાં સૌથી વધુ 17 વિકેટ પડી
- એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ વર્ષ 1888માં બન્યો હતો
- વેસ્ટ ઈન્ડિઝના શમાર જોસેફ અને જેડન સીલ્સે તબાહી મચાવી
દક્ષિણ આફ્રિકાની ટીમ હાલમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે છે. બન્ને ટીમોની પ્રથમ મેચ ડ્રો રહી હતી, પરંતુ બીજી મેચના પહેલા જ દિવસે કંઈક આશ્ચર્યજનક બન્યું. મહેમાન ટીમનો પ્રથમ દાવ માત્ર 160 રન પર જ સિમિત રહ્યો હતો, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમ જ્યારે બેટિંગ કરવા આવી ત્યારે તેની હાલત પણ બહુ સારી નહોતી. બીજી ટેસ્ટમાં પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં કુલ 17 વિકેટ પડી ગઈ હતી.
એક જ દિવસમાં 17 વિકેટ પડી
વેસ્ટ ઈન્ડિઝ વતી શમાર જોસેફ અને જેડન સીલ્સે તબાહી મચાવી હતી. બીજી તરફ દક્ષિણ આફ્રિકા માટે વિયાન મુલ્ડરે યજમાન ટીમને મુશ્કેલીમાં મુકી દીધી છે. આફ્રિકાનો પ્રથમ દાવ માત્ર 160 રન પર સમાપ્ત થયો હતો, જ્યારે પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે 97 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ રીતે એક જ દિવસમાં 17 વિકેટ પડવાની સાથે, આ મેચ બીજા અથવા ત્રીજા દિવસે જ સમાપ્ત થવાના આરે છે.
એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ
ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો એક દિવસમાં સૌથી વધુ વિકેટ પડવાનો રેકોર્ડ વર્ષ 1888માં બન્યો હતો. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી મેચના બીજા દિવસે કુલ 27 વિકેટ પડી હતી. તે મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 116 રન બનાવ્યા હતા, જ્યારે જવાબમાં ઈંગ્લેન્ડની ટીમ 53 રનમાં સમેટાઈ ગઈ હતી. કાંગારૂ ટીમ બીજા દાવમાં માત્ર 60 રન બનાવી શકી હતી. આવી સ્થિતિમાં ટાર્ગેટનો પીછો કરવા આવેલી ઈંગ્લેન્ડની ટીમ 62 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી જેના કારણે તેને 61 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચમાં શું-શું થયું?
દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ શમાર જોસેફ અને જેડન સીલ્સે વિરોધી ટીમ પર તબાહી મચાવી દીધી હતી. એક તરફ જોસેફે 5 વિકેટ ઝડપી હતી તો બીજી તરફ સીલ્સે ત્રણ વિકેટ લઈને આફ્રિકાની બેટિંગની કમર તોડી નાખી હતી. આફ્રિકાની ટીમ 54 ઓવર રમીને માત્ર 160 રન જ બનાવી શકી હતી. આફ્રિકા 100 રનથી નીચે ઓલઆઉટ થવાનું હતું, પરંતુ ડેન પીટના 38 રન અને નાન્દ્રે બર્જરના 23 રનની ઇનિંગ્સને કારણે દક્ષિણ આફ્રિકા સ્કોરબોર્ડ 160 રન પહોંચવામાં સફળ રહી હતી.
વેસ્ટ ઈન્ડિઝના બોલરનો કમાલ
વેસ્ટ ઈન્ડિઝ ટીમ આફ્રિકાને નાના સ્કોર પર ઓલઆઉટ કરી દેતા ખુશ હતી, પરંતુ જ્યારે બેટિંગ કરવાનો આવ્યો ત્યારે અડધી ટીમ 47 રનમાં પેવેલિયન પરત ફરી ગઈ હતી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં વેસ્ટ ઈન્ડિઝે 7 વિકેટ ગુમાવીને 97 રન બનાવી લીધા હતા. અત્યાર સુધી મહેમાન ટીમ તરફથી વિયાન મુલ્ડર ચાર અને નાન્દ્રે બર્ગર 2 વિકેટ ઝડપી છે. કેશવ મહારાજે પણ એક વિકેટ લીધી છે.