- ક્રિકેટ બોર્ડે સેમસનને પોતાની ટીમ તરફથી રમવાની ઓફર કરી
- સંજુ સેમસને આઇરિશ બોર્ડના આ પ્રસ્તાવને ફગાવી દીધો
- સંજુને છેલ્લા કેટલાય સમયથી રમવાની તક નથી મળી રહી
ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન સંજુ સેમસનને આંતરરાષ્ટ્રીય સ્તરે એટલી તકો મળી નથી. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેમસનને પોતાની ટીમ તરફથી રમવાની ઓફર કરી છે. જોકે સેમસને આઇરિશ બોર્ડના આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. સેમસન બાંગ્લાદેશ સામેની તાજેતરની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ ટીમનો ભાગ નહોતો.
સંજુ સેમસનને આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે કરી ઓફર
ટીમ ઈન્ડિયાના વિકેટ કીપર બેટ્સમેન સંજુ સેમસનને સતત રમવાની તક નથી મળી રહી. સંજુ સેમસને 2015માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું, છતાં તે કુલ 27 મેચ જ રમી શક્યો છે. ટીમમાંથી સતત બાકાત રાખવાને કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ અને BCCIને પણ ટીકાઓનો સામનો કરવો પડ્યો છે. હવે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે સેમસનને પોતાની ટીમ તરફથી રમવાની ઓફર કરી છે.

સંજુએ હૃદય સ્પર્શી જવાબ આપ્યો
એક અહેવાલ મુજબ, આયર્લેન્ડ ક્રિકેટ બોર્ડે સંજુ સેમસનને ખાતરી આપી છે કે જો તે તેની ક્રિકેટ કારકિર્દીને આગળ વધારવા માટે તેના દેશમાં આવશે તો તે તમામ મેચમાં રમશે. જો કે સેમસને આઇરિશ ક્રિકેટ બોર્ડની ઓફર ફગાવી દીધી હતી. સેમસને કહ્યું કે તે આંતરરાષ્ટ્રીય સ્તરે અન્ય કોઈ દેશ માટે રમવાનું વિચારશે નહીં કારણ કે તે ભારતનું પ્રતિનિધિત્વ કરવા માંગે છે.
ક્રિકેટ આયર્લેન્ડની ઓફર નકારી
આઇરિશ ક્રિકેટ બોર્ડ (ક્રિકેટ આયર્લેન્ડ) એવા ખેલાડીની શોધમાં છે જે શાનદાર બેટિંગની સાથે કેપ્ટનશિપ કરી શકે. જો સંજુ સેમસને આ ઓફર સ્વીકારી હોત તો તેણે ભારતીય ક્રિકેટ અને ઈન્ડિયન પ્રીમિયર લીગને અલવિદા કહેવું પડત. ભારતીય અંડર-19 ટીમના ભૂતપૂર્વ કેપ્ટન ઉન્મુક્ત ચંદે પણ આવો જ રસ્તો અપનાવ્યો અને હવે તે USમાં ક્રિકેટ રમી રહ્યો છે.
T20 વર્લ્ડ કપ-એશિયા કપમાંથી બહાર
ઓસ્ટ્રેલિયામાં આયોજિત T20 વર્લ્ડ કપ અને એશિયા કપ 2022 માટે ભારતીય ટીમમાં સંજુ સેમસનની પસંદગી કરવામાં આવી ન હતી. સેમસન બાંગ્લાદેશ સામેની તાજેતરની ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ ભારતીય ટીમનો ભાગ નહોતો. જો કે સેમસનને ન્યુઝીલેન્ડ સામેની T20 સિરીઝ માટે ટીમમાં ચોક્કસપણે સામેલ કરવામાં આવ્યો હતો, પરંતુ તેને એક પણ મેચ રમવાની તક મળી ન હતી.

ઓક્ટોબરમાં આફ્રિકા સામે સારું પ્રદર્શન
સંજુ સેમસન આ વર્ષે ઓક્ટોબર મહિનામાં સાઉથ આફ્રિકા સામેની ત્રણ મેચની વનડે સિરીઝ દરમિયાન સારા ટચમાં જોવા મળ્યો હતો. સેમસને પ્રથમ વનડેમાં અણનમ 86 રન બનાવીને ભારતને લગભગ જીત અપાવી દીધી હતી. દક્ષિણ આફ્રિકા સામેની બાકીની બે વનડેમાં તેણે અનુક્રમે 30 અણનમ અને 2 રન બનાવ્યા હતા. ભારતીય ટીમ તે શ્રેણી 2-1થી જીતવામાં સફળ રહી હતી.
સંજુ સેમસનનો આંતરરાષ્ટ્રીય રેકોર્ડ
28 વર્ષીય સંજુ સેમસને અત્યાર સુધી ભારત માટે 16 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 21.14ની એવરેજ અને 135.15ની સ્ટ્રાઈક રેટથી 296 રન બનાવ્યા છે. સંજુએ માત્ર 11 ODI રમી છે, જેમાં તેણે 66ની એવરેજથી 330 રન બનાવ્યા છે. રિષભ પંત જેવા ખેલાડીની સરખામણીમાં સંજુ સેમસનને ભારત તરફથી રમવાની બહુ ઓછી તકો મળી છે.