- 14 ડિસેમ્બરથી ચિટાગોંગમાં ટેસ્ટ સિરીઝની શરૂઆત
- ટીમ ઈન્ડિયાની નજર ટેસ્ટ શ્રેણીમાં ક્લીન સ્વીપ કરવા પર
- ભારતે બાંગ્લાદેશ સામેની તમામ ટેસ્ટ જીતી છે
ODI શ્રેણીની હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમે યજમાન બાંગ્લાદેશ સામે આગામી 2 મેચની ટેસ્ટ શ્રેણીની તૈયારી શરૂ કરી દીધી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ 14 ડિસેમ્બરથી ચિટાગોંગના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં રમાશે. રેકોર્ડની વાત કરીએ તો ભારતીય ટીમ ટેસ્ટ ક્રિકેટમાં અત્યાર સુધી બાંગ્લાદેશ સામે એકપણ મેચ હારી નથી. પછી તે ઘરમાં હોય કે બહાર. જોકે, બાંગ્લાદેશ સામેની ટેસ્ટ શ્રેણીમાં 2-0થી વિજય મેળવવો ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. ટીમ ઈન્ડિયા ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમને હરાવીને આવતા વર્ષે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની પોતાની આશા જીવંત રાખી શકે છે.

બંને ટેસ્ટમાં ભારત માટે જીત જરૂરી
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ જૂન 2023માં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના સમીકરણની વાત કરીએ તો, ભારતીય ટીમ યજમાન સામેની એક પણ ટેસ્ટમાં ડ્રો પરિણામ ઇચ્છતી નથી. બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં 11 ટેસ્ટ મેચ રમાઈ છે જેમાંથી ભારતે 9માં જીત મેળવી છે. બે ટેસ્ટ મેચ ડ્રો રહી છે. બાંગ્લાદેશના ખાતામાં એક પણ જીત નથી.
બાંગ્લાદેશને ભારત સામે પ્રથમ જીતની તલાશ
બંને ટીમો વર્ષ 2000થી એકબીજા સામે ટેસ્ટ મેચ રમી રહી છે. બાંગ્લાદેશની ટીમ હજુ પણ ભારત સામે પ્રથમ જીતની રાહ જોઈ રહી છે. જોકે આ સમય દરમિયાન તેમણે કેટલીક ટેસ્ટ ડ્રો કરવામાં ચોક્કસપણે સફળતા મેળવી છે. બાંગ્લાદેશ માટે સારી વાત એ છે કે તે હાલમાં ઘરઆંગણે ભારતને ODI શ્રેણીમાં 2-1થી હરાવ્યું હતું. ODI શ્રેણી જીત્યા બાદ બાંગ્લાદેશનો ઉત્સાહ ઉંચાઈ પર છે. આવી સ્થિતિમાં તેમનો પ્રયાસ ભારતના વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ 2023ના માર્ગમાં અવરોધ બનવાનો રહેશે.

WTC પોઈન્ટ ટેબલમાં ભારત ચોથા સ્થાને
ભારતે બાંગ્લાદેશ સામે તેના ઘરઆંગણે કુલ 8 ટેસ્ટ મેચ રમી છે જેમાં ટીમ ઈન્ડિયાએ 6 મેચ જીતી છે, જ્યારે 2 મેચ ડ્રો રહી છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં હજુ 6 મહિના બાકી છે. ભારતીય ટીમ હાલમાં 6 ટેસ્ટ મેચ જીતીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે. ટીમ ઈન્ડિયાએ આ છ મહિનામાં 6 ટેસ્ટ મેચ રમવાની છે. આવી સ્થિતિમાં ફાઈનલની રેસમાં ટકી રહેવા માટે તમામ ટેસ્ટ મેચો જીતવી પડશે.