- 14 ડિસેમ્બરથી બાંગ્લાદેશ સામે ટેસ્ટ સિરીઝની શરૂઆત
- વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવા જીત જરૂરી
- વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બાંગ્લાદેશ પહોંચ્યો, પ્લેઈંગ 11માં રમશે
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ પ્રવાસ પર કુલ બે ટેસ્ટ મેચ રમવાની છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં જગ્યા બનાવવા માટે આ બંને મેચ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ક્રિકેટ ટીમ આ સિરીઝમાં કોઈ ભૂલ કરવા માંગતી નથી.
રિષભ પંત બાંગ્લાદેશ પહોંચ્યો
ત્રીજી વનડેમાં બાંગ્લાદેશની ટીમને હરાવ્યા બાદ ભારતે હવે બે મેચની ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમનો સામનો કરવાનો છે. કેએલ રાહુલની કપ્તાનીવાળી ભારતીય ટીમ 14 ડિસેમ્બરે ચિત્તાગોંગના ઝહૂર અહેમદ ચૌધરી સ્ટેડિયમમાં બાંગ્લાદેશ સામે ટકરાશે. આ મેચ પહેલા ભારત માટે એક સારા સમાચાર આવ્યા છે. વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત બાંગ્લાદેશ પહોંચી ગયો છે. તે પ્રથમ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં જોવા મળશે.

WTC ફાઇનલમાં પહોંચવા શ્રેણી મહત્વપૂર્ણ
રિષભ પંત રવિવારે બાંગ્લાદેશમાં જોવા મળ્યો હતો. તેણે ચાહકો સાથે તસવીરો પણ ખેંચાવી હતી. પંતને યજમાન દેશ સામેની ODI શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યો હતો.
રિષભ પંતનો ટેસ્ટમાં રેકોર્ડ ઘણો સારો
ભલે રિષભ પંત છેલ્લા કેટલાક મહિનામાં ODI અને T20 ક્રિકેટમાં ફ્લોપ રહ્યો છે, પરંતુ રમતના સૌથી લાંબા ફોર્મેટમાં તેનો રેકોર્ડ ઘણો સારો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની દૃષ્ટિએ ભારત માટે બાંગ્લાદેશમાં ટેસ્ટ સિરીઝ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચવા માટે ટીમ ઈન્ડિયાએ કોઈપણ કિંમતે શ્રેણી 2-0થી જીતવી પડશે. એટલું જ નહીં, નવા વર્ષની શરૂઆતમાં રમાનાર ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણીમાં પણ ભારતે તમામ મેચો જીતવી પડશે.

10 ઇનિંગ્સમાં બે સદી
ટેસ્ટ ફોર્મેટમાં રિષભ પંતનું પ્રદર્શન ઘણું સારું છે. જો છેલ્લી 10 ઇનિંગ્સ પર નજર કરીએ તો તેણે બે સદી અને ત્રણ અડધી સદી ફટકારી છે. આ વર્ષે ઈંગ્લેન્ડ પ્રવાસ પર એક માત્ર ટેસ્ટ મેચ દરમિયાન ભલે ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હોય, પરંતુ આ મેચમાં પંતનું બેટ ઘણું સારું રહ્યું હતું. તેણે પ્રથમ દાવમાં 146 રન ફટકાર્યા હતા. બીજી ઇનિંગમાં પણ આ વિકેટકીપર બેટ્સમેને 57 રન બનાવ્યા હતા. રિષભની ટેસ્ટમાં એવરેજ 43 છે.