ભારતીય બેટ્સમેન સરફરાઝ ખાને તાજેતરમાં ઈરાની કપ 2024માં બેવડી સદી ફટકારીને ઈતિહાસ રચ્યો હતો. તેની ઈનિંગની મદદથી મુંબઈએ ઈરાની ટ્રોફી પર પણ કબજો કર્યો હતો. જોકે, હવે સરફરાઝ ખાનને આગામી રણજી ટ્રોફી માટે મુંબઈની ટીમમાંથી પડતો મૂકવો પડ્યો છે. તેને પ્રથમ મેચ માટે જગ્યા આપવામાં આવી નથી.


સરફરાઝ ખાન ટીમની બહાર

મુંબઈ 11 ઓક્ટોબરથી રણજી ટ્રોફીમાં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહ્યું છે, જ્યાં તેનો મુકાબલો બરોડા સાથે થશે. આ પછી 18 ઓક્ટોબરે મુંબઈ મહારાષ્ટ્ર સામે રમશે. જોકે, સરફરાઝ ખાનને પ્રથમ બે મેચમાં મુંબઈની ટીમમાં તક મળી નથી.

આ કારણે થયો બહાર

સરફરાઝ ખાનને ન્યૂઝીલેન્ડ સામેની 3 મેચની ટેસ્ટ સિરીઝ માટે ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવે તેવી શક્યતા છે. મુંબઈની પ્રથમ બે રણજી મેચો ભારત અને ન્યુઝીલેન્ડ સિરીઝ સાથે ક્લેશ થયા છે. આવી સ્થિતિમાં સરફરાઝ ખાનને મુંબઈની ટીમમાં જગ્યા આપવામાં આવી નથી. મુંબઈએ છેલ્લી રણજી ટ્રોફી સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું અને અજિંક્ય રહાણેના નેતૃત્વમાં ટાઈટલ જીત્યું હતું.

ઈરાની ટ્રોફીમાં ચમક્યો સરફરાઝ ખાન

હાલમાં જ ઈરાની કપમાં મુંબઈ તરફથી રમતા સરફરાઝે રેસ્ટ ઓફ ઈન્ડિયા સામે જોરદાર બેવડી સદી ફટકારી હતી. સરફરાઝે પ્રથમ દાવમાં 222 રનની ઇનિંગ રમી હતી. તેની ઇનિંગ્સના કારણે મુંબઈએ પણ ખિતાબ જીત્યો હતો. સરફરાઝ ખાનને તાજેતરમાં બાંગ્લાદેશ સામે રમાયેલી 2 મેચની ટેસ્ટ સિરીઝમાં તક મળી હતી. પરંતુ તેને અંતિમ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. જોકે, સરફરાઝને ન્યૂઝીલેન્ડ સામેની આગામી ટેસ્ટ સિરીઝમાં તક મળવાની આશા છે.

પ્રથમ બે મેચ માટે મુંબઈની ટીમ

અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શો, આયુષ મ્હાત્રે, અંગક્રિશ રઘુવંશી, શ્રેયસ ઐયર, સિદ્ધેશ લાડ, સૂર્યાંશ શેડગે, હાર્દિક તામોર (વિકેટકીપર), સિદ્ધાંત અધાતરાવ (વિકેટકીપર), શમ્સ મુલાની, તનુષ કોટિયન, હિમાંશુ સિંહ, મોહિત અવસ્થી, મો. જુનૈદ ખાન, રોયસ્ટન ડાયસ.


  • Follow us on: