- ચાર્લી કેસલે ક્રિકેટના ઈતિહાસમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો
- ચાર્લી કેસલે ODI ડેબ્યૂમાં 7 વિકેટ લઇને રચ્યો ઇતિહાસ
- કગિસો રબાડાને પાછળ છોડી ચાર્લી બન્યો નંબર વન
ક્રિકેટના ઈતિહાસમાં એક નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો હતો. બેટિંગમાં વારંવાર વર્લ્ડ રેકોર્ડ જોવા મળે છે, પરંતુ આ વખતે બોલિંગમાં ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી. આ રેકોર્ડ સ્કોટિશ બોલર ચાર્લી કેસલે બનાવ્યો હતો. ચાર્લીએ સાઉથ આફ્રિકાના સ્ટાર ફાસ્ટ બોલર કાગિસો રબાડાને પાછળ છોડીને આ રેકોર્ડ હાંસલ કર્યો હતો. સ્કોટલેન્ડના ચાર્લીએ વર્લ્ડ કપ લીગ 2ની ઓમાન સામેની મેચમાં આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.
ODI ડેબ્યૂમાં સૌથી વધુ વિકેટ લઇ બનાવ્યો વર્લ્ડ રેકોર્ડ
ચાર્લી કેસલે તેની કારકિર્દીની પ્રથમ ODI મેચમાં સૌથી વધુ વિકેટ લઈને શ્રેષ્ઠ સ્પેલ બોલિંગ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે કાગિસો રબાડાને પાછળ છોડી દીધો. ચાર્લીએ ઓમાન સામે રમાયેલી પોતાની ડેબ્યૂ મેચમાં માત્ર 21 રન આપીને 7 વિકેટ લીધી હતી. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના કાગિસો રબાડાના નામે હતો. રબાડાએ બાંગ્લાદેશ સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું. પોતાની ડેબ્યુ મેચમાં તેણે માત્ર 16 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
ODI ડેબ્યૂમાં શ્રેષ્ઠ બોલિંગ ફિગર
- ચાર્લી કેસલ (સ્કોટલેન્ડ)- 7/21
- કાગિસો રબાડા (દક્ષિણ આફ્રિકા)- 6/16
- ફિડલ એડવર્ડ્સ (વેસ્ટ ઈન્ડિઝ)- 6/22
ચાર્લી કેસલે ઓમાનના બેટ્સમેનોને ચોંકાવ્યા
મેચમાં સ્કોટલેન્ડે ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી ઓમાનની ટીમ ચાર્લી કેસલ સામે ટકી શકી ન હતી. પ્રથમ બેટિંગ કરતા ઓમાનની ટીમ 21.4 ઓવરમાં માત્ર 91 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. વિકેટકીપર બેટ્સમેન પ્રતીક આઠવલેએ ટીમ માટે સૌથી મોટી ઇનિંગ રમી, તેણે 56 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 34 રન બનાવ્યા. ઓમાન તરફથી માત્ર ત્રણ બેટ્સમેન ડબલ ફિગર પાર કરી શક્યા હતા. આ દરમિયાન ચાર્લી કેસલે 7 વિકેટ પોતાના નામે કરી હતી. રેસ્ટ બ્રેડલી કરી, બ્રાંડન મેકમુલેન, ગેવિન મેને 1-1 સફળતા મળી.
સ્કોટલેન્ડની ઓમાન સામે જીત
ટાર્ગેટનો પીછો કરતા સ્કોટલેન્ડે 17.2 ઓવરમાં 95/2 રન બનાવીને જીત મેળવી હતી. ટીમ માટે બ્રાન્ડોન મેકમુલેને સૌથી મોટી ઇનિંગ રમી અને 43 બોલમાં 6 ફોરની મદદથી 37 રન બનાવ્યા. સ્કોટલેન્ડની ઇનિંગ્સ દરમિયાન ઓમાન તરફથી ફૈયાઝ બટ્ટ અને બિલાલ ખાને 1-1 વિકેટ લીધી હતી.