• ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે છેલ્લી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે
  • સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાનો ઈનિંગ અને 32 રને કરામો પરાજય
  • પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર ઈજાગ્રસ્ત

ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 3 જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. જેના માટે બંને ટીમો જોરશોરથી તૈયારી કરી રહી છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરને પ્રથમ ટેસ્ટ મેચમાં થોડી ઈજા થઈ હતી. બેટિંગ કરતી વખતે શાર્દુલના ખભા પર બોલ વાગ્યો હતો. જે બાદ શાર્દુલ થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. બીજી મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન શાર્દુલ ખભા પર પાટો બાંધેલો જોવા મળ્યો હતો. શાર્દુલની આ તસવીરો સામે આવ્યા બાદ ચાહકોના મનમાં સવાલો ઉઠવા લાગ્યા હતા કે શાર્દુલની ઈજા કેટલી ગંભીર છે અને શું શાર્દુલ બીજી મેચમાં રમી શકશે?

શાર્દુલ બીજી મેચ માટે ફિટ

અહેવાલો અનુસાર, શાર્દુલ ઠાકુરને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને ન તો તેમના પર કોઈ સીટી સ્કેન કરવામાં આવ્યું છે. શાર્દુલ ઠાકુર બીજી મેચ પહેલા પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. પ્રેક્ટિસ સેશનમાં રોહિત શર્મા, આર અશ્વિન, યશસ્વી જયસ્વાલ, મુકેશ કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ અને કેએસ ભરતનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જે બાદ હવે ચાહકોને આશા છે કે શાર્દુલ કેપટાઉન ટેસ્ટ મેચમાં પણ રમતા જોવા મળશે.

ટીમ ઈન્ડિયા સિરીઝમાં પાછળ

બે મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા હવે 0-1થી પાછળ છે. સેન્ચુરિયન ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને સાઉથ આફ્રિકાએ ઈનિંગ અને 32 રને પરાજય આપ્યો હતો. પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ અને બેટિંગ કંઈ ખાસ ન હતી. પ્રથમ મેચમાં ભારતીય ટીમની બેટિંગ ઘણી નિરાશા જનક રહી અને બીજી ઈનિંગમાં માત્ર 131 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. પ્રથમ મેચમાં હાર સાથે ટીમ ઈન્ડિયાનું સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સિરીઝ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

કેપટાઉનમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

બીજી ટેસ્ટ મેચ કેપટાઉનના ન્યૂલેન્ડ્સ સ્ટેડિયમમાં રમાશે. આજ સુધી ટીમ ઈન્ડિયા આ મેદાન પર એકપણ ટેસ્ટ મેચ જીતી શકી નથી. આવી સ્થિતિમાં હવે કેપ્ટન રોહિત શર્મા પાસે જૂનો ઈતિહાસ બદલવાની સુવર્ણ તક છે. જો ટીમ ઈન્ડિયાએ બીજી મેચ જીતવી હશે તો રોહિત શર્માને પણ ફોર્મમાં પરત ફરવું પડશે.


  • Follow us on: