- ઈન્દોરમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે
- બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા
- શ્રેયસ અય્યર-વોર્નર-સ્ટાર્ક-હેઝલવુડ-કેમેરોન ગ્રીન ઈજાગ્રસ્ત
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી 4 મેચની ટેસ્ટ શ્રેણીમાં યજમાન ટીમે અત્યાર સુધી જોરદાર રમત બતાવી છે. ઓસ્ટ્રેલિયા માટે પ્રથમ બે ટેસ્ટ મેચ દુઃસ્વપ્ન સમાન હતી. ટીમના ખેલાડીઓ સારુ પ્રદર્શન કરી શકતા નથી અને ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા પણ વધી રહી છે. દિગ્ગજ ડેવિડ વોર્નર દિલ્હી ટેસ્ટમાં ઈજાના કારણે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા ઉતરી શક્યો ન હતો. હવે તેના સિરીઝમાંથી બહાર થવાના સમાચાર છે.
5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત
ઓસ્ટ્રેલિયાની ટીમ હાલમાં ભારતના પ્રવાસ પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની મહત્વની મેચો રમી રહી છે. પ્રથમ બે ટેસ્ટ મેચ રમ્યા બાદ ટીમને ભારતના હાથે 2-0થી હાર મળી હતી. નાગપુર ટેસ્ટમાં ઇનિંગ્સ અને 132 રન, જ્યારે ઓસ્ટ્રેલિયાની ટીમને દિલ્હી ટેસ્ટ મેચમાં 6 વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો. આ સિરીઝની ત્રીજી ટેસ્ટ મેચ ઈન્દોરમાં રમાવાની છે, તે પહેલા 5 ખેલાડીઓ ઈજાગ્રસ્ત થયા છે.

ડેવિડ વોર્નરને દિલ્હી ટેસ્ટમાં ગંભીર ઈજા થઈ
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીમાં ઈજાગ્રસ્ત ખેલાડીઓની સંખ્યા સતત વધી રહી છે. પ્રથમ મેચથી લઈને અત્યાર સુધી બંને ટીમોના ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદી 5 પર પહોંચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાના વિસ્ફોટક ઓપનર ડેવિડ વોર્નરને દિલ્હી ટેસ્ટમાં ગંભીર ઈજા થઈ હતી અને તે મેચમાંથી બહાર થઈ ગયો હતો. હવે તેને શ્રેણીની બાકીની મેચોમાં રમવા અંગે શંકા છે.
ઓસ્ટ્રેલિયન ટીમ મેનેજમેન્ટની વધી મુશ્કેલી
ભારત પહોંચેલી ઓસ્ટ્રેલિયા ટીમના મેનેજમેન્ટ સામે મુશ્કેલીઓ ઉભી થઈ છે. ટીમ સતત બે મેચ હારી ચૂકી છે, આ સાથે જ સ્ટાર ખેલાડીઓની ઈજાએ મુશ્કેલીમાં વધારો કર્યો છે. દિલ્હીમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચની પ્રથમ ઈનિંગમાં ભારતીય બોલર મોહમ્મદ સિરાજનો એક બોલ ડેવિડ વોર્નરના હેલ્મેટમાં વાગ્યો હતો અને તેના કારણે તે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા માટે બહાર આવી શક્યો નહોતો. મેચ રેનશોને ટીમમાં કન્સશન પ્લેયર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો.

ભારતીય ટીમનો બેટ્સમેન શ્રેયસ અય્યર પ્રથમ ટેસ્ટ મેચમાં ઈજાના કારણે પ્લેઈંગ ઈલેવનનો ભાગ બની શક્યો ન હતો. ભારત માટે સારી વાત એ હતી કે બીજી મેચ પહેલા તેણે ફિટનેસ પાછી મેળવી લીધી અને મેચ રમવા માટે પણ ઉતરી ગયો. ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક દક્ષિણ આફ્રિકા શ્રેણી દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો જ્યારે જોશ હેઝલવુડ પણ શ્રેણી પહેલા ઈજાગ્રસ્ત થયો હતો. કેમેરોન ગ્રીનનું નામ પણ ઈજાગ્રસ્ત ખેલાડીઓની યાદીમાં સામેલ છે, જેની બાદબાકીથી ટીમને મોટો ફટકો પડ્યો છે.