- નેધરલેન્ડ સામે શ્રેયસ અય્યરે 128 રન બનાવ્યા
- ભારત માટે વર્લ્ડકપમાં નંબર 4 નો શ્રેષ્ઠ સ્કોર
- વર્લ્ડકપની સૌથી લાંબી સિક્સ પણ અય્યરના નામે
ભારતીય ટીમના મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ અય્યરે તેના ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. પોતાના પ્રથમ ODI વર્લ્ડકપમાં ત્રણ ફિફ્ટી ફટકાર્યા બાદ હવે તેણે પોતાની પ્રથમ સદી પણ ફટકારી છે. છેલ્લી બે મેચમાં તે સદી ચૂકી ગયો હતો અને તેણે 70-80 રનની ઇનિંગ્સ રમી હતી. પરંતુ રવિવારે બેંગલુરુમાં નેધરલેન્ડ સામે અય્યરે તેની ઇનિંગમાં 94 બોલમાં 128 રન બનાવ્યા જેમાં 10 ફોર અને 5 સિક્સનો સમાવેશ થાય છે. આ ઇનિંગમાં શ્રેયસ અય્યરે 84 બોલમાં પોતાની સદી પૂરી કરી હતી.
વર્લ્ડકપમાં આ તેની પ્રથમ સદી હતી પરંતુ તે તેની ODI કારકિર્દીની ચોથી સદી હતી. તેનો અગાઉનો સર્વશ્રેષ્ઠ સ્કોર 113 હતો. તેણે પોતાની સદી સુધી પહોંચવા માટે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 2 સિક્સ ફટકારી હતી. 106 મીટરની આ વર્લ્ડકપની સૌથી લાંબી સિક્સ પણ શ્રેયસ અય્યરના નામે છે. આ ઇનિંગ સાથે અય્યરે ભારત માટે ચોથા નંબર પર રમીને વર્લ્ડ કપનો એક ખાસ રેકોર્ડ પણ બનાવ્યો છે.













