- ઇજાના કારણે બહાર હતો શ્રેયસ ઐયર
- ટેસ્ટ સીરિઝમાંથી બહાર રહેલો શ્રેયસ ઐયર હવે ફિટ છે
- ઐયર રણજી ટ્રોફી 2024ની સેમિફાઇનલમાં પુનરાગમન કરશે
ભારતીય ટીમ હાલમાં ઈજાની સમસ્યાથી ઝઝૂમી રહી હતી. આ કારણોસર, આગામી આઈપીએલ સિઝનમાં રમવાને લઇ ઘણા ખેલાડીઓનું સસ્પેન્સ હતું. આ સીરિઝમાં પીઠના દુખાવાના કારણે ઈંગ્લેન્ડ ટેસ્ટ સીરિઝમાંથી બહાર રહેલો શ્રેયસ ઐયર હવે ફિટ છે. ઐયર રણજી ટ્રોફી 2024ની સેમિફાઇનલમાં પુનરાગમન કરવા જઈ રહ્યો છે. આ માટે મુંબઈએ ટીમ બહાર પાડી અને સેમીફાઈનલ પહેલા ટીમને એક ઈન્ટરનેશનલ પ્લેયરના ઉમેરાના સારા સમાચાર મળ્યા. IPL ફ્રેન્ચાઇઝી કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) એ પણ ઐયરની વાપસીથી રાહતનો શ્વાસ લીધો હશે.
બરોડા સાથે ડ્રો રમ્યા બાદ પણ સેમિફાઈનલમાં મુંબઈ
જો વર્તમાન રણજી ટ્રોફીની વાત કરીએ તો મુંબઈની ટીમે ક્વાર્ટર ફાઇનલમાં બરોડા સામે ડ્રો રમી હતી. આ મેચમાં પરિણામ ન આવવા છતાં 41 વખતની રણજી ચેમ્પિયન મુંબઈએ અંતિમ ચારમાં જગ્યા બનાવી લીધી છે. ટીમને પ્રથમ દાવમાં મળેલી લીડના આધારે સેમિફાઇનલની ટિકિટ મળી હતી. હવે ટીમની સેમીફાઈનલ ટીમ જાહેર થઈ છે જેમાં ઈંગ્લેન્ડ સામેની ભારતીય ટીમની છેલ્લી ત્રણ ટેસ્ટમાંથી બહાર કરાયેલા શ્રેયસ ઐયરને સામેલ કરવામાં આવ્યો છે.
ઐયર ફિટ, દુબે હજુ બહાર
તમને જણાવી દઈએ કે શ્રેયસ ઐયર ઈજાની સમસ્યાને કારણે મુંબઈ માટે ક્વાર્ટર ફાઈનલ મેચ રમ્યો નહોતો. સ્ટાર ઓલરાઉન્ડર શિવમ દુબે પણ ઈજાના કારણે ટીમ માટે આ મેચ રમી શક્યો નથી. ઐયર ટીમમાં આવ્યો છે પરંતુ દુબે પરત ફર્યા નથી. શિવમ દુબે સાઇડ સ્ટ્રેનની સમસ્યાથી પીડિત છે. મળતી માહિતી અનુસાર, ઐયર સંપૂર્ણપણે ફિટ છે અને તે સેમીફાઈનલ મેચમાં ભાગ લેવા માટે તૈયાર છે.
આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો જમાવડો
મુંબઈની આ ટીમમાં આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો જમાવડો છે. અજિંક્ય રહાણે (કેપ્ટન), પૃથ્વી શો, શાર્દુલ ઠાકુર અને ધવલ કુલકર્ણી જેવા ખેલાડીઓ પહેલેથી જ ટીમનો ભાગ છે. હવે શ્રેયસ ઐયર પણ ટીમમાં સામેલ થઈ ગયો છે. મુંબઈ માટે ક્વાર્ટર ફાઇનલમાં 10 અને 11માં નંબરના ખેલાડીઓ તનુષ કોટિયન અને તુષાર દેશપાંડેએ શાનદાર સદીની ઇનિંગ્સ રમીને ઇતિહાસ રચ્યો હતો. હવે જોવાનું એ રહે છે કે ટીમ તેના 42માં રણજી ટાઇટલ માટે ફાઇનલમાં જગ્યા બનાવી શકે છે કે નહીં.
મુંબઈની સંપૂર્ણ ટીમ
અજિંક્ય રહાણે (c), પૃથ્વી શો, શ્રેયસ ઐયર, ભૂપેન લાલવાણી, અમોઘ ભટકલ, મુશીર ખાન, પ્રસાદ પવાર, હાર્દિક તામોર, શાર્દુલ ઠાકુર, શમ્સ મુલાની, તનુષ કોટિયન, આદિત્ય ધૂમલ, તુષાર દેશપાંડે, મોહિત અવસ્થી, રોયસ્ટન ડિયાસ, ધવલ કુલકર્ણી.