- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 2 મેચની ટેસ્ટ સિરીઝ
- બીજી મેચ 3 જાન્યુઆરી 2024થી કેપટાઉનમાં રમાશે
- પ્રથમ મેચમાં ભારતની ઈનિંગ અને 32 રને થઈ હાર
ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી મેચ 3 જાન્યુઆરી, 2024થી કેપટાઉનમાં રમાશે. વર્ષ 2024માં ટીમ ઈન્ડિયાની આ પહેલી મેચ હશે. ટીમ ઈન્ડિયા નવા વર્ષની શરૂઆત જીત સાથે કરવા ઈચ્છશે. જે મુશ્કેલ છે પણ અશક્ય નથી. ટીમ ઈન્ડિયાને સિરીઝની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાના સામે ઈનિંગ્સ અને 32 રને હારનો સામનો કરવો પડ્યો હતો. પ્રથમ મેચમાં ભારતીય ટીમ બેટિંગથી લઈને બોલિંગ સુધી ખૂબ જ ખરાબ રહી હતી. હવે કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચ માટે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરી શકે છે.
રોહિતને પડકારનો સામનો કરવો પડશે
પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાની બોલિંગ કંઈ ખાસ રહી ન હતી. ટીમ ઈન્ડિયાની બોલિંગનો સામનો કરવામાં સાઉથ આફ્રિકાના બેટ્સમેનોને વધુ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો ન હતો. હવે આવી સ્થિતિમાં કેપ્ટન રોહિત શર્મા બીજી ટેસ્ટ મેચ માટે ટીમની બોલિંગમાં થોડો ફેરફાર કરી શકે છે. હવે રોહિત શર્મા પાસે બે ઝડપી બોલરોના નામ છે, જેમાંથી રોહિત પ્લેઈંગ ઈલેવનમાં માત્ર એક બોલરને તક આપી શકે છે.
સુકાની રોહિત શર્મા માટે પ્રસિદ્ધ કૃષ્ણા અને મુકેશ કુમારમાંથી એકની પસંદગી કરવી ખૂબ જ મુશ્કેલ બની જશે. પ્રથમ મેચમાં પ્રસિદ્ધ કૃષ્ણાને ટેસ્ટ ડેબ્યૂ કરવાની તક મળી હતી. પ્રસિદ્ધ આ મેચમાં પોતાની બોલિંગથી કેપ્ટનને વધારે પ્રભાવિત કરી શક્યો ન હતો, તેને પ્રથમ મેચમાં માત્ર એક જ વિકેટ મળી હતી. આ પછી હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે બીજી મેચમાં કેપ્ટન રોહિત શર્મા પ્રસિદ્ધ કૃષ્ણને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી મુકેશ કુમારનો સમાવેશ કરી શકે છે.
મુકેશ કુમારને પ્લેઈંગ ઈલેવનમાં મળી શકે સ્થાન
ફાસ્ટ બોલર મુકેશ કુમારને બીજી ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમમાં તક મળી શકે છે. મુકેશ કુમાર સાઉથ આફ્રિકા સામે T20 અને વનડે સિરીઝમાં રમતા જોવા મળ્યા હતા. મુકેશ કુમારે આ દરમિયાન શાનદાર બોલિંગ કરી હતી. બીજી ટેસ્ટ પહેલા મુકેશ કુમાર ટીમના બાકીના ખેલાડીઓ સાથે મેદાન પર પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આવી સ્થિતિમાં હવે એવી આશા રાખવામાં આવી રહી છે કે મુકેશ કુમાર બીજી મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી શકે છે. ટીમ ઈન્ડિયા બે મેચની ટેસ્ટ સિરીઝમાં 0-1થી પાછળ છે. હવે બીજી મેચ જીતીને ભારતીય ટીમ સિરીઝમાં ક્લીન સ્વીપથી બચવા માંગશે.