• હેનરિક ક્લાસને ટેસ્ટ ક્રિકેટમાંથી લીધી નિવૃત્તિ
  • ક્લાસેન સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે
  • ક્લાસેન સાઉથ આફ્રિકા તરફથી 4 ટેસ્ટ મેચ રમી

સાઉથ આફ્રિકાના તોફાની બેટ્સમેન હેનરિક ક્લાસને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું છે. તેણે સોમવારે તાત્કાલિક અસરથી રેડ બોલ ક્રિકેટ છોડી દીધી, એટલે કે ટેસ્ટ ફોર્મેટમાંથી નિવૃત્તિ લીધી. સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે એક પ્રેસ રિલીઝ જારી કરીને આ જાણકારી આપી છે. 32 વર્ષીય હેનરિક ક્લાસને સાઉથ આફ્રિકા માટે ચાર ટેસ્ટ મેચ રમી છે. ભારત સામે તાજેતરમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જોકે, તે ODI અને T20 સિરીઝ રમ્યો હતો.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં શાનદાર રેકોર્ડ ધરાવતા ક્લાસેનને 2019માં ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કરવાની તક મળી હતી. જોકે, ક્લાસેનને સફેદ બોલના ક્રિકેટમાં નિષ્ણાત માનવામાં આવે છે. 2023માં, ક્લાસને ODIમાં 172ના સ્ટ્રાઈક રેટથી રન બનાવ્યા હતા.

ક્લાસને ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહ્યું

હેનરિક ક્લાસને જણાવ્યું હતું કે, "લાંબા સમયના વિચાર પછી, હું આ નિર્ણય લઈ રહ્યો છું. મેં રેડ બોલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. આ એક મુશ્કેલ નિર્ણય છે જે મેં લીધો છે, કારણ કે "આ આ રમતનું મારું અત્યાર સુધીનું મનપસંદ ફોર્મેટ છે. મેં મેદાન પર અને મેદાનની બહાર જે મુશ્કેલીઓનો સામનો કર્યો તેણે મને આજે ક્રિકેટર બનાવ્યો છે. આ એક શાનદાર સફર છે અને મને ખુશી છે કે હું મારા દેશનું પ્રતિનિધિત્વ કરી શક્યો છું."

સાઉથ આફ્રિકન વિકેટકીપર બેટ્સમેને વધુમાં ઉમેર્યું, "મારી બેગી ટેસ્ટ કેપ મને અત્યાર સુધી આપવામાં આવેલી સૌથી કિંમતી કેપ છે. રેડ-બોલ ક્રિકેટે મારી કારકિર્દીમાં મહત્વની ભૂમિકા ભજવી છે, જેના કારણે આજે હું ક્રિકેટર છું. મને પ્રેમ અને સહકાર આપવા બદલ દરેકનો આભાર..."

કલાસેનની ટેસ્ટ કારકિર્દી

સાઉથ આફ્રિકા માટે ચાર ટેસ્ટમાં, હેનરિક ક્લાસને માત્ર 13ની એવરેજથી 104 રન બનાવ્યા, જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 35 રન હતો. 2019માં ડેબ્યૂ કરનાર ક્લાસને તેની છેલ્લી ટેસ્ટ માર્ચ 2023માં રમી હતી, તેમ છતાં તેને માત્ર ચાર મેચમાં તક મળી હતી. જોકે, ક્લાસેનનો ODI અને T20માં શાનદાર રેકોર્ડ છે. તે દક્ષિણ આફ્રિકા માટે સફેદ બોલની ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે.

  • Follow us on: