• સ્પેન ક્રિકેટ ટીમે યુરોપ T20 વર્લ્ડકપ સબ રિજનલ ક્વોલિફાયર-સીમાં ગ્રીસને હરાવ્યું
  • T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્પેનની આ સતત 14મી જીત હતી
  • સ્પેન T20 મેન્સ ઈન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની

સ્પેન ક્રિકેટ ટીમે યુરોપ T20 વર્લ્ડકપ સબ રિજનલ ક્વોલિફાયર-સીમાં ગ્રીસને 7 વિકેટે હરાવ્યું છે. ટૂર્નામેન્ટની 16મી મેચમાં પ્રથમ બોલિંગ કરતા સ્પેને ગ્રીસને 20 ઓવરમાં 9 વિકેટે 96 રન પર રોકી દીધું હતું. આ પછી સ્પેને આ લક્ષ્યાંક માત્ર 13 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. સ્પેન તરફથી હમઝા દાર (32), યાસિર અલી (25) અને મોહમ્મદ એહસાને (25) શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ દરમિયાન સ્પેને એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

સ્પેને બનાવ્યો આ વર્લ્ડ રેકોર્ડ

T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સ્પેનની આ સતત 14મી જીત હતી. આ સાથે તેઓ T20 મેન્સ ઈન્ટરનેશનલમાં સતત સૌથી વધુ મેચ જીતનારી ટીમ બની ગઈ છે. તેણે મલેશિયાનો રેકોર્ડ તોડ્યો છે. મલેશિયાએ 13 મેચ જીતી હતી. આ સાથે જ T20માં સૌથી વધુ મેચ જીતવાનો રેકોર્ડ થાઈલેન્ડની મહિલા ટીમના નામે છે. તેઓ સતત 17 મેચ જીત્યા છે.


જો ટોપ 12 ટીમોની વાત કરીએ તો ભારત અને અફઘાનિસ્તાનના નામે સતત સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતવાનો રેકોર્ડ છે. બંનેએ T20માં સતત 12 મેચ જીતી છે.

T20Iમાં સતત સૌથી વધુ મેચ જીતનારી ટીમ

  • સ્પેન- 14
  • મલેશિયા- 13
  • બર્મુડા- 13
  • અફઘાનિસ્તાન- 12
  • રોમાનિયા- 12
  • ભારત- 12


છેલ્લા 20 મહિનાથી અજેય છે સ્પેનની ટીમ

સ્પેનની ક્રિકેટ ટીમ છેલ્લા 20 મહિનાથી એક પણ T20 મેચ હારી નથી. તેને છેલ્લે ઇટાલી સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી સ્પેને આઈલ ઓફ મેન, જર્સી અને ક્રોએશિયા સામે શ્રેણી જીતી હતી. આ સાથે જ સ્પેને વર્તમાન T20 ક્વોલિફાયરમાં સતત ત્રણ મેચ જીતી છે. આજ સુધી ભારત કે ઓસ્ટ્રેલિયા જેવી મોટી ટીમ પણ આ સિદ્ધિ હાંસલ કરી શકી નથી.

  • Follow us on: