- IPL 2024ની 69મી મેચ SRH અને PBKS વચ્ચે રમાઈ હતી
- આ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 4 વિકેટે જીત મેળવી હતી
- મેચ જોવા માટે અભિષેકની બહેન કોમલ શર્મા પણ આવી હતી
IPL 2024ની 69મી મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાઈ હતી. રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં હૈદરાબાદે 4 વિકેટે જીત મેળવી હતી. હૈદરાબાદ તરફથી અભિષેક શર્માએ સૌથી વધુ રન બનાવ્યા હતા. તેથી આ મેચનો શ્રેય પણ અભિષેક શર્માને જાય છે. આ મેચ જોવા માટે અભિષેકની બહેન કોમલ શર્મા પણ આવી હતી. ભાઈ-બહેન વચ્ચેનો અનોખો પ્રેમ હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
કોમલ શર્મા તેના ભાઈની અડધી સદીની ઉજવણી કરતી જોવા મળી
અભિષેક શર્માએ પંજાબ કિંગ્સ સામે અડધી સદી ફટકારી હતી. જે બાદ અભિષેક શર્મા તેની બહેન તરફ ઈશારો કરતો જોવા મળ્યો હતો. તેની બહેન કોમલ શર્માએ પણ તેની અડધી સદીની ઉજવણીમાં તેના ભાઈ પર પ્રેમ વરસાવ્યો હતો, જેને કેમેરામેન દ્વારા કેદ કરવામાં આવ્યો હતો. આ ભાઈ-બહેનની જોડીનો વીડિયો અને ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ અંગે ફેન્સ પણ કોમેન્ટ કરી રહ્યા છે.
અભિષેકે આ રેકોર્ડમાં કોહલીને પાછળ છોડ્યો
આ મેચમાં અભિષેક શર્માએ પણ એક રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. તેણે એક સિઝનમાં સૌથી વધુ સિક્સર મારવાનો ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો. અભિષેકે અત્યાર સુધીમાં 41 સિક્સર ફટકારી છે જ્યારે કોહલીએ IPL 2016માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે 38 સિક્સર ફટકારી હતી. અભિષેકની વિસ્ફોટક બેટિંગના કારણે સનરાઈઝર્સ હૈદરાબાદ આઈપીએલમાં 150થી વધુ સિક્સર મારનારી બીજી ટીમ પણ બની ગઈ છે.
IPL 2024માં અભિષેક શર્માનું પ્રદર્શન
પંજાબ કિંગ્સ સામે 23 વર્ષીય ડાબોડી બેટ્સમેન અભિષેકે માત્ર 28 બોલમાં ઝડપી 66 રન બનાવ્યા હતા. તેની વિસ્ફોટક ઇનિંગમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગાનો સમાવેશ થાય છે. IPL 2024 દરમિયાન અભિષેક સનરાઇઝર્સ હૈદરાબાદ માટે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે અત્યાર સુધી 13 મેચમાં 467 રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે તેનો સ્ટ્રાઈક રેટ 209.42 રહ્યો છે. અભિષેકે આ સિઝનમાં અત્યાર સુધીમાં ત્રણ અડધી સદી ફટકારી છે.