- શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ભારત અને શ્રીલંકા ટી20 ક્રિકેટ સિરીઝ માટે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી છે
- આ 3 મેચની સીરીઝ માટે ટીમની કપ્તાની ચરિથ અસલંકાને સોંપવામાં આવી છે
- ટીમમાં એક અનુભવી ખેલાડી 2 વર્ષ પછી પરત ફરશે
ભારત અને શ્રીલંકા વચ્ચે 3 મેચની ટી20 ક્રિકેટ સિરીઝ 27 જુલાઈથી શરૂ થઈ રહી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ સિરીઝ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે ટી20 ક્રિકેટ ટીમના વાઈસ કેપ્ટન રહેલા ચરિથ અસલંકાને ટીમના નવા કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. એક ખેલાડી 2 વર્ષ પછી ટી20 ક્રિકેટ ટીમમાં પરત ફર્યો છે. આ અનુભવી ખેલાડીએ ટીમમાંથી અનુભવી ખેલાડી એન્જેલો મેથ્યુસને બહારને રસ્તો બતાવ્યો છે.
કોણ છે આ દિગ્ગજ ખેલાડી?
દિનેશ ચાંદીમલ એ ખેલાડી છે જે 2 વર્ષ બાદ શ્રીલંકાની T20 ક્રિકેટ ટીમમાં પરત ફર્યો છે. દિનેશ ચાંદીમલ 34 વર્ષના છે. તેણે છેલ્લે 2022માં શ્રીલંકા માટે ટી20 મેચ રમી હતી. દિનેશ ચાંદીમલે શ્રીલંકા માટે કુલ 68 ટી20 મેચ રમી છે. આમાં તેણે 103ની સ્ટ્રાઇક સાથે કુલ 1062 રન બનાવ્યા છે. તેનો સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર અણનમ 66 રન છે. દિનેશ ચાંદીમલે આ 68 મેચોમાં 6 અડધી સદી ફટકારી છે.
લંકા પ્રીમિયર લીગમાં સારું પ્રદર્શન કર્યું
દિનેશ ચાંદીમલને તાજેતરમાં સમાપ્ત થયેલ લંકા પ્રીમિયર લીગમાં તેના શાનદાર પ્રદર્શન માટે પુરસ્કાર આપવામાં આવ્યો છે. દિનેશ ચાંદીમલે લંકા પ્રીમિયર લીગમાં પોતાની ટીમ માટે ઓપનિંગ કરતી વખતે 8 મેચમાં 168ની સ્ટ્રાઈક સાથે 287 રન બનાવ્યા છે. આ પ્રદર્શનના કારણે તેને એન્જેલો મેથ્યુસની જગ્યાએ ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે.
ભારત સામે કેવું રહ્યું પ્રદર્શન?
દિનેશ ચાંદીમલે ભારત સામે અત્યાર સુધીમાં કુલ 9 ટી20 મેચ રમી છે. આમાં તેણે 91ના સ્ટ્રાઈક રેટથી કુલ 140 રન બનાવ્યા છે. ટી20 ક્રિકેટમાં દિનેશ ચાંદીમલનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર ભારત સામે 35 રન છે.