શ્રીલંકા અને ન્યુઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ ગાલેમાં રમાઈ રહી છે. આ દરમિયાન શ્રીલંકાના મુખ્ય બેટ્સમેન કામિન્દુ મેન્ડિસે જબરદસ્ત ઇનિંગ રમી હતી. તેણે શાનદાર બેટિંગ કરી અને અણનમ 182 રન બનાવ્યા હતા. આ દરમિયાન કામિન્દુ મેન્ડિસે પણ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે હવે સૌથી ઝડપી 5 ટેસ્ટ સદી ફટકારનાર એશિયન ખેલાડી બની ગયો છે. આ સાથે તેણે ડોન બ્રેડમેન અને જ્યોર્જ હેડલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે.
શ્રીલંકાની ખરાબ શરૂઆત
આ પહેલા શ્રીલંકાના કેપ્ટન ધનંજય ડી સિલ્વાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે, ટીમની શરૂઆત સારી રહી ન હતી અને ઓપનર પથુમ નિસાંકા માત્ર 1 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. જો કે, આ પછી દિમુથ કરુણારત્ને અને દિનેશ ચાંદીમલે ઇનિંગ્સને સંભાળી હતી. આ બંને ખેલાડીઓએ બીજી વિકેટ માટે 122 રનની ભાગીદારી કરી હતી. દિમુથ કરુણારત્નેએ 46 અને દિનેશ ચાંદીમલે 208 બોલમાં 116 રન બનાવ્યા હતા. મિડલ ઓર્ડરમાં એન્જેલો મેથ્યુઝે પણ 88 રનની ઇનિંગ રમી હતી.
કામિન્દુ મેન્ડિસે રચ્યો ઈતિહાસ
આ પછી કામિન્દુ મેન્ડિસે પણ પોતાના બેટથી કમાલ કર્યો હતો. તેણે અણનમ 182 રન બનાવ્યા હતા. કામિન્દુ મેન્ડિસની ટેસ્ટ કારકિર્દીની આ 5મી સદી છે. તેણે આ 5 સદી માત્ર 13 ઇનિંગ્સમાં ફટકારી છે. આ સાથે જ કામિન્દુ મેન્ડિસના નામે એક મોટો રેકોર્ડ પણ નોંધાયો છે. હવે તે ટેસ્ટમાં સૌથી ઝડપી 5 સદી ફટકારનાર એશિયન બેટ્સમેન બની ગયો છે. એકંદરે આ સિદ્ધિ મેળવનાર તે ત્રીજો સૌથી ઝડપી બેટ્સમેન બની ગયો છે. તેણે ડોન બ્રેડમેન અને જ્યોર્જ હેડલીના રેકોર્ડની બરોબરી કરી હતી, જેમણે 13 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી. હવે માત્ર એવર્ટ વીક્સ (10), હર્બર્ટ શેટક્લિફ (12) અને રોબર્ટ હાર્વે (12 ઇનિંગ્સ) મેન્ડિસથી આગળ છે.
સૌથી ઝડપી 1000 રન બનાવનારો ખેલાડી
એશિયન રેકોર્ડની વાત કરીએ તો કામિન્દુ મેન્ડિસે પાકિસ્તાનના ફવાદ આલમનો રેકોર્ડ તોડ્યો હતો. ફવાદ આલમે 22 ઈનિંગ્સમાં 5 ટેસ્ટ સદી ફટકારી હતી. જો કે હવે મેન્ડિસે માત્ર 13 ઇનિંગ્સમાં 5 ટેસ્ટ સદી ફટકારીને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. આ સિવાય કામિન્દુ મેન્ડિસે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 1000 રન બનાવવાની સિદ્ધિ પણ હાંસલ કરી છે.