- ભારતીય ટીમની વિજય પરેડ દરમિયાન સૂર્યકુમાર યાદવે એક વીડિયો રેકોર્ડ કર્યો છે
- આ વીડિયોમાં વિરાટ કોહલી રોહિતનો હાથ પકડીને તેને ટ્રોફી સાથે ફોટો પડાવવા માટે સમજાવી રહ્યો છે
- આ વીડિયોમાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો બ્રોમાન્સ જોવા મળી રહ્યો છે
હાલમાં જ અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ વિરાટ કોહલી અને રોહિત શર્માની તસવીરોએ સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચાઓ થઈ હતી. બંને ખેલાડીઓનું સાથે સેલિબ્રેશન જોઈને ફેન્સ ખૂબ જ ખુશ થયા હતા. રોહિત અને વિરાટે સાથે મળીને વિજય પરેડ દરમિયાન ટ્રોફી ઉપાડી હતી. રોહિત અને વિરાટનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. હાલમાં રોહિત-વિરાટનો એક નવો વીડિયો સામે આવ્યો છે, જે સૂર્યકુમાર યાદવે શૂટ કર્યો છે. આ વીડિયોમાં રોહિત પાસે વિરાટ કોહલી જાય છે અને તેની સાથે ફોટો ક્લિક કરાવવા માટે સમજાવતો જોવા મળે છે.
મુંબઈ ઈન્ડિયન્સે શેર કર્યો વીડિયો
ગઈ કાલે મુંબઈ ઈન્ડિયન્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો, જે સૂર્યકુમાર દ્વારા રેકોર્ડ કરવામાં આવ્યો હતો. આ વીડિયોમાં સૂર્યકુમાર યાદવ કેમેરાનો ઉપયોગ કરીને વિજય પરેડની તસવીરો ક્લિક કરતો જોવા મળે છે. પરંતુ આ દરમિયાન તેના કેમેરાએ કંઈક એવું રેકોર્ડ કર્યું જે કદાચ સૂર્યા પોતે પણ જાણી શક્યો ન હતા. સૂર્યકુમારના કેમેરામાં જોવા મળે છે કે વિરાટ કોહલી બસના એક છેડેથી બીજા છેડે જઈ રહ્યો છે અને રોહિત શર્માનો હાથ પકડીને તેને બસની સામે આવવા અને ટ્રોફી સાથે ફોટો પડાવવાનું કહી રહ્યો છે. આ પળ સૂર્યકુમારના કેમેરામાં કેદ થઈ ગઈ છે.
ટીમ ઈન્ડિયાનું જોરદાર સ્વાગત
પૂર્વ ભારતીય ટી-20 કેપ્ટન રોહિત શર્માનું પણ ઘરઆંગણે જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. વિરાટ કોહલી વિજય પરેડ બાદ લંડન ગયો હતો. રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ ટી20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યા બાદ ટી20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી છે. આ ખેલાડીઓ વનડે અને ટેસ્ટમાં રમતા જોવા મળશે.
Image - X