ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈમર્જિંગ એશિયા કપ 2024 માટે ભારતીય A ટીમની જાહેરાત કરી છે. આ ટૂર્નામેન્ટની કેપ્ટનશિપ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન તિલક વર્માને આપવામાં આવી છે. તેના સિવાય બોર્ડે આ ટૂર્નામેન્ટ માટે ઘણા યુવા ખેલાડીઓને પણ તક આપી છે. આ ટૂર્નામેન્ટમાં ઘણા એવા ખેલાડીઓ હશે જે પહેલીવાર ટીમ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરશે. આ ટુર્નામેન્ટ 18 ઓક્ટોબરથી શરૂ થવાની છે જ્યારે છેલ્લી મેચ 27 ઓક્ટોબરે રમાશે. ભારત સિવાય પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનની ટીમો ભાગ લેશે. આ ટુર્નામેન્ટ ઓમાનમાં યોજાવાની છે.
ફાઈનલમાં હારી હતી ટીમ ઈન્ડિયા
બીજી વખત ઓપનર અભિષેક શર્મા ઈમર્જિંગ એશિયા કપ 2024માં ભાગ લેશે. એશિયા કપ 2023માં અભિષેક શર્મા, સાઈ સુદર્શન સિવાય હર્ષિત રાણાને પણ તક આપવામાં આવી હતી. યુવા ટીમે શાનદાર પ્રદર્શન કર્યું હતું. છેલ્લી વખત ભારતની કપ્તાની યશ ધુલે સંભાળી હતી. પરંતુ ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન સામે ટાઈટલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ ટીમ ઈન્ડિયાએ આખી ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ઘણા યુવા ખેલાડીઓને મળી તક
આ વખતે બોર્ડે ઘણા યુવા ખેલાડીઓને તક આપી છે, જેમાં આયુષ બદોની સિવાય અનુજ રાવત, રમનદીપ સિંહ, નેહલ વાઢેરા, આકિબ ખાન અને વૈભવ અરોરા જેવા ખેલાડીઓ ટીમમાં સામેલ છે.
આ ખેલાડીઓ સિવાય અભિષેક શર્મા પણ આ ટૂર્નામેન્ટમાં પોતાની આગવી ઓળખ બનાવશે. હાલમાં જ અભિષેકે બાંગ્લાદેશ સામે રમાયેલી 3 મેચની T20 સિરીઝમાં તક મળી હતી. પરંતુ તે ત્રણેય મેચમાં સારું પ્રદર્શન ન કર્યું હતું. ફરી એકવાર અભિષેક પાસે તેનું ટેલેન્ટ સાબિત કરવાની સુવર્ણ તક છે.
આ ટુર્નામેન્ટમાં તમામની નજર લખનૌ સુપર જાયન્ટ્સના બેટ્સમેન આયુષ બદોની પર પણ રહેશે, જેને આઈપીએલ 2024 સિવાય દિલ્હી પ્રીમિયર લીગ 2024માં જોરદાર પ્રદર્શન કર્યું હતું.
ઈમર્જિંગ એશિયા કપ 2024 માટે ટીમ ઈન્ડિયાની ટીમ
તિલક વર્મા (કેપ્ટન), અભિષેક શર્મા, પ્રભસિમરન સિંહ, આયુષ બદોની, નિશાંત સિંધુ, રમનદીપ સિંહ, અનુજ રાવત, નેહલ વાઢેરા, અંશુલ કંબોજ, ઋતિક શૌકીન, વૈભવ અરોરા, રસિક સલામ, સાઈ કિશોર, રાહુલ ચાહર, આકિબ ખાન.