• ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં 47 રનથી શાનદાર જીત નોંધાવી હતી
  • ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપ સુપર-8ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર
  • અફઘાનિસ્તાનની ટીમ 0 પોઈન્ટ સાથે તળિયે પહોંચી ગઈ છે

ટીમ ઈન્ડિયાએ ગુરુવારે અફઘાનિસ્તાન સામે રમાયેલી મેચમાં 47 રનથી શાનદાર જીત નોંધાવી હતી. આ જીત બાદ ભારતીય ટીમ T-20 વર્લ્ડ કપ સુપર-8ના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે. જ્યારે અફઘાનિસ્તાનની ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ચાલો જાણીએ ગ્રુપ-1 ના પોઈન્ટ ટેબલની સ્થિતિ...

ટીમ ઈન્ડિયાના 2 પોઈન્ટ થયા

ટીમ ઈન્ડિયાએ ગ્રુપ-1માં સુપર-8ના પોઈન્ટ ટેબલને હચમચાવી નાખ્યું છે. ભારતીય ટીમે એક મેચ જીતીને 2 પોઈન્ટ મેળવ્યા છે. ટોચ પર પહોંચેલી ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ +2.35 છે, જ્યારે અફઘાનિસ્તાનની ટીમ 0 પોઈન્ટ સાથે તળિયે પહોંચી ગઈ છે. તેનો નેટ રન રેટ -2.35 છે. ઓસ્ટ્રેલિયા અને બાંગ્લાદેશે હજુ સુધી એક પણ સુપર-8 મેચ રમી નથી. તેથી તેની પાસે ઝીરો પોઈન્ટ છે.

અફઘાનિસ્તાને વાપસી કરવી પડશે

દરેક ટીમને સુપર-8માં 3 મેચ રમવાની તક મળશે. જેમાંથી સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવા માટે ઓછામાં ઓછી 2 મેચ જીતવી જરૂરી બની શકે છે. ભારતની આગામી મેચ 22 જૂને બાંગ્લાદેશ અને 24 જૂને ઓસ્ટ્રેલિયા સામે થશે. જ્યારે અફઘાનિસ્તાનની આગામી મેચ 23 જૂને ઓસ્ટ્રેલિયા અને 25 જૂને બાંગ્લાદેશ સામે રમાશે. જો અફઘાનિસ્તાન સેમિફાઇનલ માટે ક્વોલિફાય થવું હોય તો તેને આગામી બે મેચ જીતવી પડશે.

ગ્રુપ-2 ના પોઈન્ટ ટેબલની સ્થિતિ શું છે?

ગ્રુપ-2માં ઈંગ્લેન્ડની ટીમ એક મેચ જીત્યા બાદ 2 પોઈન્ટ અને +1.343ના નેટ રન રેટ સાથે ટોપ પર છે. દક્ષિણ આફ્રિકા 2 પોઈન્ટ અને +0.900ના નેટ રન રેટ સાથે બીજા સ્થાને પહોંચી ગયું છે. મેચ હાર્યા બાદ યુએસએ 0 પોઈન્ટ અને -0.900ના નેટ રન રેટ સાથે ત્રીજા ક્રમે છે અને વેસ્ટ ઈન્ડિઝ 0 પોઈન્ટ અને -1.343ના નેટ રન રેટ સાથે ચોથા ક્રમે છે. જો આ રીતે જોવામાં આવે તો ભારતીય ટીમે બંને ગ્રુપ (ગ્રુપ-1 અને ગ્રુપ-2)ના પોઈન્ટ ટેબલમાં સૌથી વધુ નેટ રન રેટ હાંસલ કર્યો છે. આ વખતે કઈ ચાર ટીમો સેમિફાઈનલમાં પ્રવેશ કરે છે તે જોવું રસપ્રદ રહેશે.


  • Follow us on: