- ઓસ્ટ્રેલિયાની ટીમે નામીબિયાને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી
- T20 વર્લ્ડકપમાં 2 ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઇ
- દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા સુપર 8માં જનારી પ્રથમ 2 ટીમ
ક્રિકેટના મહાકુંભ એટલે કે T20 વર્લ્ડકપ 2024માં ઓસ્ટ્રેલિયાની ટીમે નામીબિયાને હરાવીને સુપર-8માં જગ્યા બનાવી લીધી છે. ઓસ્ટ્રેલિયાએ માત્ર 5.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી, કારણ કે નામિબિયા 72 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ સરળતાથી હાંસલ કરી લીધો હતો. હવે ઓસ્ટ્રેલિયા સુપર-8 માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાની જીત બાદ હવે નામિબિયા પણ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગયું છે.
20માંથી 2 ટીમો બહાર
આ વખતે T20 વર્લ્ડકપમાં 20 ટીમો રમી રહી છે. ટુર્નામેન્ટની 24 મેચ રમાઈ છે. 24 મેચ બાદ 2 ટીમ સુપર-8ની રેસમાંથી બહાર છે. પહેલા ઓમાનની ટીમ સુપર-8ની રેસમાંથી બહાર થઈ ગઈ હતી. જે બાદ હવે નામિબિયા સુપર-8માંથી બહાર થનારી બીજી ટીમ બની ગઈ છે.
2 ટીમો ક્વોલિફાય થઈ
દક્ષિણ આફ્રિકા T20 વર્લ્ડકપ 2024માં સુપર-8 માટે ક્વોલિફાય થનારી પ્રથમ ટીમ બની છે. દક્ષિણ આફ્રિકાએ બાંગ્લાદેશને હરાવીને ક્વોલિફાય કર્યું હતું. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં આફ્રિકા એક પણ મેચ હારી નથી. ત્રણેય મેચ જીત્યા બાદ દક્ષિણ આફ્રિકાના હાલ 6 પોઈન્ટ છે. હવે ઓસ્ટ્રેલિયા નામિબિયાને હરાવીને સુપર-8 માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ પણ તેની અત્યાર સુધીની તમામ મેચ જીતી છે.
ઓસ્ટ્રેલિયાએ આ મેચ 9 વિકેટે જીતી
ઓસ્ટ્રેલિયાએ એકતરફી મેચમાં નામિબિયાને 9 વિકેટે હરાવ્યું હતું. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નામીબિયાને 17 ઓવરમાં માત્ર 72 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. જે બાદ ઓસ્ટ્રેલિયાએ માત્ર 5.4 ઓવરમાં આ લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. ઓસ્ટ્રેલિયાના બોલરોએ આ મેચને એકતરફી બનાવી દીધી હતી. કાંગારૂ ટીમ તરફથી એડમ ઝમ્પાએ સૌથી વધુ 4 વિકેટ લીધી હતી. આ સિવાય હેઝલવુડ અને સ્ટોઈનિસે 2-2 વિકેટ લીધી હતી.