- નામિબિયા સામે ઓસ્ટ્રેલિયાની 9 વિકેટે જીત
- આ મેચ પહેલા મિચેલ સ્ટાર્ક ઈજાને કારણે બહાર
- મિચેલ સ્ટાર્કના સ્થાને નાથન એલિસને મળી તક
ઓસ્ટ્રેલિયન ટીમના સ્ટાર ખેલાડી મિચેલ સ્ટાર્ક પર હવે વર્લ્ડકપમાંથી બહાર થવાનો ખતરો છે. મિચેલ સ્ટાર્ક ઈજાના કારણે નામિબિયા સામે પણ રમી શક્યો ન હતો. હવે મિચેલ સ્ટાર્કની ઈજાએ ઓસ્ટ્રેલિયન ટીમની ચિંતા વધારી દીધી છે. છેલ્લી મેચમાં પણ સ્ટાર્ક સ્નાયુના દુખાવાના કારણે થોડી મુશ્કેલીમાં જોવા મળ્યો હતો. જેના કારણે સ્ટાર્ક છેલ્લી મેચમાં ઇંગ્લેન્ડ સામે એટલી સારી બોલિંગ કરી શક્યો ન હતો. હવે ટીમે સ્ટાર્કને નામિબિયા સામે રમાઈ રહેલી મેચમાંથી બહાર રાખવાનો નિર્ણય લીધો હતો.
સ્ટાર્કની જગ્યાએ આ ખેલાડીને તક મળી
ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન મિચેલ માર્શે સ્ટાર્કની ઈજા વિશે માહિતી આપતા કહ્યું કે ઈજાના કારણે સ્ટાર્ક છેલ્લી મેચમાં તેટલું સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. ટીમના આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખીને સ્ટાર્કને લઈને થોડી સાવધાની રાખવામાં આવી છે. કારણ કે આગામી સુપર-8 મેચોમાં સ્ટાર્કનું સંપૂર્ણ ફિટ હોવું અને ટીમમાં રહેવું ખૂબ જ જરૂરી છે. ઓસ્ટ્રેલિયાના મુખ્ય કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે પણ સ્ટાર્કની ગેરહાજરી અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
નામિબિયા સામેની મેચ માટે મિચેલ સ્ટાર્કના સ્થાને નાથન એલિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. નાથન એલિસે વોર્મ અપ મેચમાં શાનદાર બોલિંગ કરી હતી. આ સિવાય નાથને ઓમાન સામે રમાયેલી મેચમાં પણ સારી બોલિંગ કરી હતી. નામિબિયા સામે પણ નાથને શાનદાર બોલિંગ કરી અને 3 ઓવરમાં માત્ર 12 રન આપીને એક વિકેટ લીધી.
નામિબિયા 72 રનમાં ઓલઆઉટ
ઓસ્ટ્રેલિયા અને નામિબિયા સામે રમાઈ રહેલી મેચમાં પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી નામીબિયાની ટીમ માત્ર 72 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી બોલિંગ કરતી વખતે એડમ ઝમ્પાએ 4 ઓવરમાં 12 રન આપીને સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય જોશ હેઝલવુડ અને માર્કસ સ્ટોઈનિસે 2-2 વિકેટ લીધી હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ નામિબિયાને 9 વિકેટે હરાવ્યું હતું.