- રોહિત-વિરાટે T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી
- ડેવિડ મિલરે પણ નિવૃત્તિની જાહેરાત કરી હોવાના સમાચાર
- મિલરે તેની નિવૃત્તિ અંગેની અટકળો પર પોતાનું મૌન તોડ્યું
ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા અને સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20 વર્લ્ડકપ જીત્યા બાદ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ પછી ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્રણ ભારતીય ખેલાડીઓની નિવૃત્તિ બાદ અફવાઓ ઉડી હતી કે દક્ષિણ આફ્રિકાના સ્ટાર ખેલાડી ડેવિડ મિલરે પણ નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જો કે હવે મિલરે પોતે આ અંગે સત્ય જણાવ્યું છે.
ડેવિડ મિલરે નિવૃત્તિ અંગે મૌન તોડ્યું
મિલરે તેની નિવૃત્તિ અંગેની અટકળો પર પોતાનું મૌન તોડ્યું છે. ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરતા તેણે લખ્યું- “કેટલાક રિપોર્ટ્સ દાવો કરી રહ્યા છે કે મેં T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. જોકે, એવું નથી. મેં હજુ સુધી T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લીધી નથી. હું દક્ષિણ આફ્રિકા માટે રમવાનું ચાલુ રાખીશ. મારું સર્વશ્રેષ્ઠ આવવાનું બાકી છે.”
સૂર્યાએ પકડ્યો હતો મિલરનો શાનદાર કેચ
તમને જણાવી દઈએ કે સૂર્યકુમાર યાદવે છેલ્લી ઓવરના પહેલા બોલ પર ડેવિડ મિલરને આઉટ કર્યો હતો. સૂર્યાએ બાઉન્ડ્રી લાઇન પર એક શાનદાર કેચ લીધો હતો. જે બાદ દક્ષિણ આફ્રિકાને 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મિલરે આ મેચમાં 17 બોલમાં 21 રનની ઇનિંગ રમી હતી. જેમાં એક ફોર અને એક સિક્સ સામેલ હતી. દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ડેવિડ મિલર ખૂબ જ ભાવુક દેખાતા હતા. તે ખૂબ જ રડતો જોવા મળ્યો હતો. મિલરને તેની પત્ની ચૂપ કરાવતી જોવા મળી હતી.
ઇંગ્લેન્ડ સામે શાનદાર ઇનિંગ રમી
મિલરે આ વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામે 28 બોલમાં 43 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. આ સુપર-8 મેચમાં દક્ષિણ આફ્રિકાએ 7 રને જીત મેળવી હતી. યોગાનુયોગ, દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં માત્ર 7 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો.