- USA અને કેનેડા વચ્ચેની મેચ સાથે T20 વર્લ્ડકપની શરૂઆત થશે
- ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં યોજાનારી મેચમાં વરસાદની સંભાવના
- T20 World Cupની ગ્રુપ સ્ટેજની મેચો માટે કોઈ રિઝર્વ ડે નથી
ભારતીય સમય અનુસાર રવિવારે સવારે 6 વાગ્યે USA અને કેનેડા વચ્ચેની મેચ સાથે T20 વર્લ્ડકપની શરૂઆત થશે. બંને ટીમો વચ્ચેની હરીફાઈ વિશ્વની સૌથી જૂની ગણાય છે. USA-કેનેડાની ટીમો 180 વર્ષ પહેલા 1844માં ત્રણ દિવસીય મેચ રમી હતી. ન્યૂયોર્કમાં રમાયેલી મેચમાં કેનેડાની ટીમે 23 રનથી મેચ જીતી લીધી હતી.
USAનું પલડું ભારે
જોકે હવે પરિસ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. USA અને કેનેડાના હેડ ટુ હેડ આંકડાઓની વાત કરીએ તો USA 7માંથી 5 જીતી છે. એપ્રિલમાં બંને ટીમો વચ્ચે 5 મેચની T-20 શ્રેણી રમાઈ હતી. જેમાં USA 4 મેચ જીતી હતી. જ્યારે એક મેચ રદ્દ થઈ હતી. હવે ફરી એકવાર બંને ટીમો વચ્ચેનો મુકાબલો વરસાદથી ઘેરાઈ ગયો છે. ટેક્સાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં યોજાનારી મેચમાં વરસાદની સંભાવના છે. ચાલો જાણીએ કે જો આ મેચમાં વરસાદ પડે છે, તો મેચનું પરિણામ કેવી રીતે નક્કી થશે?
ગ્રુપ સ્ટેજની મેચોમાં કોઈ રિઝર્વ ડે નથી
ગ્રૂપ-એમાં USA અને કેનેડાનો સમાવેશ થાય છે. જેમાં ભારત, પાકિસ્તાન અને આયર્લેન્ડના નામ પણ સામેલ છે. ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના નિયમો અનુસાર રાઉન્ડ-1 એટલે કે ગ્રુપ સ્ટેજની મેચો માટે રિઝર્વ ડેની કોઈ જોગવાઈ નથી. જો આ મેચમાં વરસાદ પડશે તો પરિણામ મેળવવા માટે બંને ટીમોએ ઓછામાં ઓછી 5 ઓવરની બેટિંગ કરવી પડશે. આ જ નિયમો સુપર-8 સ્ટેજ માટે પણ લાગુ પડે છે. જો કોઈ ટીમ બેટિંગ પૂરી કરી લે અને પછી વરસાદ પડે તો બીજી ટીમને પણ DLSના આધારે ટાર્ગેટ આપી શકાય છે. તમને જણાવી દઈએ કે USA અને નેપાળ વચ્ચેની વોર્મ-અપ મેચ પણ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. હવે વર્લ્ડકપની પ્રથમ મેચમાં તોફાન અને વરસાદની સંભાવના છે.
બન્ને ટીમોને મળશે એક-એક પોઇન્ટ
જો કોઈપણ સંજોગોમાં મેચ યોજવી શક્ય ન હોય તો તેને રદ કરવામાં આવશે અને બંને ટીમોને એક-એક પોઈન્ટની વહેંચણી કરવામાં આવશે. આ રીતે, બંને ટીમ પોઈન્ટ ટેબલમાં દરેક એક પોઈન્ટ સાથે ઉપર કે નીચે આવશે. જ્યારે પ્રથમ સેમિફાઇનલ અને ફાઇનલ માટે નિયમો અલગ-અલગ છે. સેમી ફાઈનલ અને ફાઈનલમાં વધારાની 190 મિનિટ અને રિઝર્વ ડેની જોગવાઈ છે. બીજી સેમીફાઈનલમાં કોઈ રિઝર્વ ડે નહીં હોય. આમાં તમને 250 મિનિટ એક્સ્ટ્રા મળશે.
બંને ટીમનો પ્રથમ T20 વર્લ્ડકપ
બંને ટીમો પ્રથમ વખત T-20 વર્લ્ડકપ રમી રહી છે. જ્યારે યુએસની ટીમ યજમાન દેશ તરીકે વર્લ્ડકપ રમી રહી છે ત્યારે કેનેડાની ટીમે ક્વોલિફાયર જીતીને વર્લ્ડકપની ટિકિટ મેળવી છે.