• ઓસ્ટ્રેલિયાએ બાંગ્લાદેશને હરાવીને સુપર-8માં જીતનું ખાતું ખોલ્યું છે
  • ઓસ્ટ્રેલિયાએ DLSની મદદથી 28 રનથી મેચ જીતી લીધી
  • આ મેચમાં પેટ કમિન્સે હેટ્રિક લીધી હતી

મિશેલ માર્શની આગેવાની હેઠળની ઓસ્ટ્રેલિયન ટીમે ટી20 વર્લ્ડ કપ 2024ની 44મી મેચમાં બાંગ્લાદેશને 28 (DLS)નથી હરાવીને તેની પહેલી સુપર-8 મેચ જીતી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ ગ્રુપ-1ના પોઈન્ટ ટેબલમાં પહેલા સ્થાને અને ભારત બીજા સ્થાને પહોંચી ગઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયાના પોઈન્ટ સમાન છે, પરંતુ સારા નેટ રન રેટના કારણે ટીમ ઓસ્ટ્રેલિયા પહેલા સ્થાન પર છે. આ મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 140 રન બનાવ્યા હતા, આ સ્કોરનો પીછો કરતા કાંગારૂઓએ 11.2 ઓવરમાં 2 વિકેટના નુકસાન પર 100 રન બનાવી લીધા હતા, ત્યારબાદ વરસાદના કારણે રમત બંધ થઈ હતી. વરસાદના કારણે મેચ પૂર્ણ થઈ શકી ન હતી અને ઓસ્ટ્રેલિયાને ડીએલએસના આધારે વિજેતા જાહેર કરવામાં આવ્યું.

પેટ કમિંસે લીધી હેટ્રિક

ટોસ જીતીને પહેલા ફિલ્ડીંગ પસંદ કર્યા બાદ ઓસ્ટ્રેલિયન ટીમ બાંગ્લાદેશને 140ના સ્કોર સુધી રોકવામાં સફળ રહી હતી. 18મી ઓવરના છેલ્લા બે બોલ પર બે વિકેટ લીધા બાદ પેટ કમિન્સે 20મી ઓવરના પહેલા બોલ પર વિકેટ લઈને ટૂર્નામેન્ટની પહેલી હેટ્રિક પૂરી કરી. તે ટી20 વર્લ્ડ કપમાં હેટ્રિક લેનારો બીજો ઓસ્ટ્રેલિયન બોલર બની ગયો છે. તેના પહેલા બ્રેટ લીએ 2007માં આ સિદ્ધિ મેળવી હતી.

ડીએલએસના આધારે વિજેતા બની ઓસ્ટ્રેલિયા

બાંગ્લાદેશને આ સ્કોર સુધી પહોંચવામાં કેપ્ટન નઝમુલ હુસૈન શાંતો અને તૌહીદ હૃદોયે મદદ કરી હતી, જેમણે 41 અને 40 રનની ઈનિંગ્સ રમી હતી. 141 રનના ટાર્ગેટનો પીછો કરતા ટ્રેવિસ હેડ અને ડેવિડ વોર્નર (53*)ની ઓપનિંગ જોડીએ ઓસ્ટ્રેલિયાને તોફાની શરૂઆત અપાવી હતી. બંનેએ પહેલી વિકેટ માટે 65 રન જોડ્યા હતા. હેડ 31 રન બનાવીને આઉટ થયો હતો, જ્યારે આ પછી બેટિંગ કરવા આવેલા મિશેલ માર્શ પણ જલ્દી પેવેલિયન પરત ફર્યો હતો. વરસાદને કારણે રમત બંધ થઈ ત્યાં સુધીમાં ડેવિડ વોર્નરે અડધી સદી ફટકારી હતી જ્યારે મેક્સવેલ 6 બોલમાં 14 રન બનાવીને તેનો સાથ આપી રહ્યો હતો.

  • Follow us on: