- દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે બીજી સેમિફાઇનલ
- દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન મેચમાં વરસાદની સંભાવના
- સેમિફાઇનલમાં વરસાદ પડ્યો તો દક્ષિણ આફ્રિકાને મળશે ફાઇનલની ટિકીટ
T20 વર્લ્ડકપ 2024ની બીજી સેમિફાઇનલ દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચે રમાશે. ખાસ કરીને જો આપણે આફ્રિકાની વાત કરીએ તો તેને ચોકર્સનું ટેગ મળ્યું છે કારણ કે આ ટીમ ઘણીવાર વર્લ્ડકપની સેમીફાઈનલમાં હારી જાય છે. વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી અપરાજિત રહ્યું છે તો બીજી તરફ અફઘાન ટીમે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવી દિગ્ગજ ટીમોને હરાવીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો છે. આ ટક્કર ખરેખર જોવા જેવી હશે, પરંતુ વરસાદ પણ તેમાં દખલ કરી શકે છે. હવામાનની આગાહી કરતી એજન્સી અનુસાર દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન મેચમાં વરસાદની સંભાવના છે.
જો મેચ ન થાય તો શું?
ગુરુવારે ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં પ્રથમ સેમિફાઇનલ મેચ રમાશે. જો કે મેચ દરમિયાન વરસાદની માત્ર 1 ટકા શક્યતા છે, પરંતુ મેચના સમય સુધીમાં આ સંભાવના 44 ટકા સુધી જઈ શકે છે. જો મેચ ગુરુવારે ન થઈ શકે તો તેના માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. જો સ્થિતિ એવી બને છે કે રિઝર્વ ડે પર પણ મેચ યોજવી શક્ય નથી, તો અફઘાનિસ્તાન રમ્યા વિના ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.
જો પ્રથમ સેમિફાઇનલ વરસાદને કારણે ધોવાઇ જાય છે, તો દક્ષિણ આફ્રિકા સુપર-8 ટેબલમાં ટોચ પર હોવાને કારણે સીધી ફાઇનલમાં પ્રવેશ કરશે. તમને જણાવી દઈએ કે સુપર-8ના ગ્રુપ બીમાં આફ્રિકન ટીમ 3 મેચમાં 3 જીત સાથે ટોપ પર હતી. બીજી તરફ અફઘાનિસ્તાન ગ્રુપ Aમાં 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે.
અફઘાનિસ્તાનનો આત્મવિશ્વાસ આસમાને
સાઉથ આફ્રિકા પાસે ચોકર્સના ડાઘ ભૂંસવાની તક હશે, પરંતુ બીજી તરફ અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત વર્લ્ડકપની સેમિફાઇનલ રમશે. સુપર-8માં પહેલા ઓસ્ટ્રેલિયા અને પછી બાંગ્લાદેશને દબાણથી ભરપૂર મેચમાં હરાવ્યા બાદ અફઘાનિસ્તાનના ખેલાડીઓનો આત્મવિશ્વાસ આસમાને પહોંચશે. તેથી, જો મેચ થાય છે, તો આફ્રિકાએ તેના વિરોધીને હળવાશથી લેવાની ભૂલ ક્યારેય ન કરવી જોઈએ.