- ટીમ ઈન્ડિયામાંથી વિદાય લેતી વખતે રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને ખાસ વિનંતી કરી
- ટી20 વર્લ્ડ કપ સાથે જ મુખ્ય કોચ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો છે
- રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને ખાસ વિનંતી કરી
ટીમ ઈન્ડિયાએ 2024નો ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. મેન ઈન બ્લુ માટે આ બીજું ટી20 વર્લ્ડ કપ ટાઈટલ હતું. આ પહેલા ભારતીય ટીમે 2007માં ટી20 વર્લ્ડ કપની ટ્રોફી જીતી હતી. આ વખતે એટલે કે 2024માં ભારતે રોહિત શર્માની કપ્તાનીમાં અને રાહુલ દ્રવિડના કોચિંગમાં ટી20 વર્લ્ડ કપ જીત્યો હતો. વર્લ્ડ કપ પૂરો થતાંની સાથે જ રાહુલ દ્રવિડનો કાર્યકાળ પણ સમાપ્ત થઈ ગયો. હવે જતા સમયે દ્રવિડે વિરાટ કોહલીને ખાસ વિનંતી કરી હતી.
રાહુલ દ્રવિડે વિરાટને કરી રિક્વેસ્ટ
ટીમ ઈન્ડિયા છોડતી વખતે રાહુલ દ્રવિડે વિરાટ કોહલીને કહ્યું હતું કે તેને સફેદ બોલના તમામ બોક્સને ટિક કરી દીધા છે. હવે લાલ બોલ પર ટિક કરવાનું બાકી છે. કોહલીએ 2011માં વનડે વર્લ્ડકપ, 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી અને 2024માં ટી20 વર્લ્ડકપ સહિત તમામ આઈસીસી વ્હાઈટ બોલ ટ્રોફી જીતી છે. હવે કિંગ કોહલી પાસે માત્ર રેડ બોલ ટ્રોફી એટલે કે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતવાની બાકી છે.
ટીમ ઈન્ડિયા બે વખત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ રમી ચુકી છે
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અત્યાર સુધી બે સિઝન રમાઈ છે. ટીમ ઈન્ડિયા બંને વખત ફાઈનલમાં પહોંચી છે. પરંતુ બંને વખત ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. પહેલી એડિશનની ફાઈનલ 2021માં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડ સામે હારી ગઈ હતી. ત્યારબાદ 2023માં બીજી એડિશનની ફાઈનલ રમાઈ હતી, જેમાં ભારતીય ટીમને ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે એ જોવાનું રસપ્રદ રહેશે કે ટીમ ઈન્ડિયા 2025માં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચી શકે છે કે નહીં.
વિરાટ, રોહિત અને જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલને કહ્યું અલવિદા
તમને જણાવી દઈએ કે 2024 વર્લ્ડકપ જીત્યા બાદ વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજાએ ટી20 ઈન્ટરનેશનલમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. સૌથી પહેલા કોહલીએ મેચ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ રોહિત શર્માએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જાહેરાત કરી. ત્યારબાદ ચેમ્પિયન બન્યાના એક દિવસ બાદ રવિન્દ્ર જાડેજાએ પણ ટી20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું.