- કમિન્સ-સ્ટાર્ક-મેકસવેલ-ઝામ્પાની બે-બે વિકેટ
- આયર્લેન્ડના લોર્કન ટકરના લડાયક 71 રન
- ઓસ્ટ્રેલિયા ગ્રુપ-1માં બીજા ક્રમે પહોંચ્યું
ઓસ્ટ્રેલિયા-આયર્લેન્ડ વચ્ચે રમાયેલ સુપર-12 રાઉન્ડના 19માં મુકાબલામાં ઓસ્ટ્રેલિયાએ આયર્લેન્ડને 42 રને હરાવ્યું હતું. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક, ગ્લેન મેક્સવેલે બે-બે વિકેટ ઝડપી હતી, જ્યારે માર્કસ સ્ટોઈનીસને એક વિકેટ મળી હતી. આયર્લેન્ડ તરફથી લોર્કન ટકરે સૌથી વધુ લડાયક 71 રનની ઇનિંગ રમી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયા ગ્રુપ-1માં બીજા ક્રમે પહોંચી ગયું છે.
આયર્લેન્ડને જીતવા 180 રનનો ટાર્ગેટ
T20 વર્લ્ડકપ 2022માં આજે ઓસ્ટ્રેલિયા-આયર્લેન્ડ સામેના મુકાબલામાં પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ નિર્ધારિત 20 ઓવરમાં પાંચ વિકેટના નુકસાને 179 રન બનાવ્યા હતા અને આયર્લેન્ડને જીતવા 180 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ઓસ્ટ્રેલિયા તરફથી એરોન ફિન્ચે સૌથી વધુ 63 અને માર્કસ સ્ટોઈનીસે આક્રમક 35 રન ફટકાર્યા હતા. આયર્લેન્ડ તરફથી બેરી મેકકાર્થીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.
ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય
આજે T20 વર્લ્ડકપ 2022ના સુપર-12 રાઉન્ડના 19માં મુકાબલામાં આયર્લેન્ડનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. મેચ પહેલા બંને દેશના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો જેમાં આયર્લેન્ડના સુકાની એન્ડ્રુ બાલ્બિર્નીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને ઓસ્ટ્રેલિયાને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
બંને ટીમની પ્લેઇંગ 11:
ઓસ્ટ્રેલિયા:
ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ (કેપ્ટન), મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટકીપર), પેટ કમિન્સ, એડમ ઝમ્પા, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ
આયર્લેન્ડ:
પોલ સ્ટર્લિંગ, એન્ડ્રુ બાલ્બિર્ની (કેપ્ટન), લોર્કન ટકર (વિકેટકીપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેમ્ફર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર, બેરી મેકકાર્થી, ફિઓન હેન્ડ, જોશુઆ લિટલ