- સુપર-12 રાઉન્ડના 16માં મુકાબલામાં બાંગ્લાદેશનો વિજય
- ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેનમાં ધ ગાબા સ્ટેડિયમમાં યોજાઈ મેચ
- પોઈન્ટ ટેબલમાં ગ્રુપ-2માં બાંગ્લાદેશ બીજા ક્રમે પહોંચ્યું
T20 વર્લ્ડ કપ 2022ના સુપર સન્ડેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશે ઝિમ્બાબ્વેને રોમાંચક મેચમાં 3 રને હરાવ્યું હતું. ઝિમ્બાબ્વેને છેલ્લા બોલે જીતવા માટે 4 રનની જરૂર હતી પરંતુ સ્ટ્રાઈક પર ઊભેલા બ્લેસિંગ મુજરબાની એક પણ રન બનાવી શક્યા ન હતા. આ જીત સાથે બાંગ્લાદેશ ગ્રુપ 2 ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચી ગયું છે. બાંગ્લાદેશના 3 મેચમાં 4 પોઈન્ટ છે.
બાંગ્લાદેશે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરી
બ્રિસ્બેનમાં રમાયેલી આ મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરી હતી. બાંગ્લાદેશે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 150 રન બનાવ્યા હતા. ઝિમ્બાબ્વેની ટીમ આ લક્ષ્યનો પીછો કરી શકી નહોતી. સુપર-12 રાઉન્ડમાં ઝિમ્બાબ્વેની આ પ્રથમ હાર છે. છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેએ પાકિસ્તાનને 1 રનથી હરાવ્યું હતું જ્યારે દક્ષિણ આફ્રિકા સામેની તેની મેચ વરસાદને કારણે અનિર્ણિત રહી હતી. બંને ટીમોએ એક-એક પોઈન્ટથી સંતોષ માનવો પડ્યો હતો.
ભારત-પાકિસ્તાન મેચની યાદ અપાવી
બ્રિસ્બેનમાં ઝિમ્બાબ્વે અને બાંગ્લાદેશ વચ્ચેની મેચનું પરિણામ છેલ્લા બોલ પર આવ્યું. આ મેચે ચાહકોને રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચેની રોમાંચક મેચની યાદ અપાવી દીધી. તે મેચમાં પણ ભારતને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી અને ઝિમ્બાબ્વેને પણ 6 બોલમાં 16 રનની જરૂર હતી પરંતુ છેલ્લી ઓવરમાં એવો ડ્રામા થયો કે રોમાંચની તમામ હદો પાર થઈ ગઈ.

બંને ટીમની પ્લેઇંગ 11
બાંગ્લાદેશ:
નજમુલ હુસૈન શાંતો, સૌમ્ય સરકાર, લિટન દાસ, શાકિબ અલ હસન (કેપ્ટન), અફીફ હુસૈન, યાસિર અલી, મોસાદ્દેક હુસૈન, નુરુલ હસન (વિકેટકીપર), મુસ્તફિઝુર રહેમાન, હસન મહમુદ, તસ્કીન અહેમદ
ઝિમ્બાબ્વે:
વેસ્લી માધવેરે, ક્રેગ એર્વિન (કેપ્ટન), મિલ્ટન શુમ્બા, સીન વિલિયમ્સ, સિકંદર રઝા, રેગિસ ચકાબ્વા (વિકેટકીપર), રાયન બર્લ, બ્રાડ ઇવાન્સ, તેન્ડાઈ ચતારા, રિચાર્ડ નગારાવા, બ્લેસિંગ મુઝારાબાની