- ભારતે સેમિફાઈનલ મેચમાં ઈંગ્લેન્ડને 68 રનથી હરાવ્યું
- આ હાર બાદ ઈંગ્લેન્ડના અભિયાનનો અંત આવ્યો હતો
- બટલરનો ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય ખોટો
T20 વર્લ્ડકપની બીજી સેમિફાઇનલ મેચ 27 જૂને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાઇ હતી. ઈંગ્લેન્ડની ટીમ સેમીફાઈનલમાં ભારત સામે હારીને વર્લ્ડકપમાંથી બહાર થઈ ગઈ છે. ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે પોતે ટીમ ઈન્ડિયાની શાનદાર બેટિંગ અને ખતરનાક બોલિંગના વખાણ કર્યા હતા. આ મેચમાં ક્યાંક જોસ બટલરની ભૂલ ઇંગ્લેન્ડને મોંઘી પડી, જેના કારણે ટીમને વર્લ્ડકપમાંથી બહાર થવું પડ્યું.
બટલરનો આ નિર્ણય ખોટો હતો?
આ મેચમાં ઈંગ્લેન્ડના કેપ્ટન જોસ બટલરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા, જે આ પિચ પર ઘણો સારો સ્કોર હતો. વરસાદ બાદ બોલ થોડો નીચો આવીને અટક્યો હોવાનું જોવા મળ્યું હતું. જોકે, પ્રથમ દાવમાં બોલ બેટ પર બરાબર આવતો હતો.
આ પછી બીજી ઈનિંગમાં પિચ થોડી ધીમી જણાતી હતી જેના કારણે ઈંગ્લેન્ડના બેટ્સમેનોને રમવામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હતો. બીજી તરફ જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય ના લીધો હોત તો કદાચ પરિસ્થિતિ થોડી અલગ બની શકી હોત. બીજું, રોહિત શર્માએ ટોસ પછી કહ્યું હતું કે જો તે ટોસ જીત્યો હોત તો પણ તેણે બેટિંગ કરવાનો નિર્ણય લીધો હોત.
જોસ બટલરે ટીમ ઈન્ડિયાના વખાણ કર્યા
મેચ બાદ વાત કરતા જોસ બટલરે કહ્યું કે ટીમ ઈન્ડિયા શાનદાર રીતે રમી અને તેઓ ખરેખર જીતના હકદાર હતા. ટીમ ઈન્ડિયાએ દરેક પરિસ્થિતિમાં સારું પ્રદર્શન કર્યું. તેનો સ્કોર પણ ઘણો સારો હતો જેને પાછળથી ભારતીય સ્પિનરોએ વધુ મુશ્કેલ બનાવી દીધો હતો. વરસાદને કારણે સ્થિતિ થોડી બદલાય તેવી આશા હતી પરંતુ કદાચ વરસાદ બાદ પણ કંઈ બદલાયું નથી.