- ટીમ ઈન્ડિયાએ લો સ્કોરિંગ મેચમાં પાકિસ્તાનને હરાવ્યું
- ભારતે પ્રથમ બેટિંગ કરતા 119 રન બનાવ્યા હતા
- પાકિસ્તાન 7 વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શકી હતી
T20 વર્લ્ડકપ 2024માં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાન સામે રમાયેલી લો સ્કોરિંગ મેચ જીતી લીધી હતી. ન્યૂયોર્કમાં રવિવારે રમાયેલા આ હાઈ-પ્રોફાઈલ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 19 ઓવરમાં માત્ર 119 રન બનાવ્યા હતા. જેનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 113 રન જ બનાવી શકી અને 6 રનથી મેચ હારી ગઈ હતી. આ મેચ ટીમ ઈન્ડિયાના હાથમાંથી લગભગ નીકળી ગઈ હતી, પરંતુ છેલ્લી ઓવરોમાં ભારતીય બોલરોએ વાપસી કરીને કરોડો ચાહકોના દિલ જીતી લીધા હતા. આ જીતમાં પાંચ ખેલાડીઓનું મહત્વનું યોગદાન હતું.
રિષભ પંત
રિષભ પંતે આ મેચમાં શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે ટીમ ઈન્ડિયાના બેટ્સમેનો એક પછી એક પેવેલિયન પરત ફરી રહ્યા હતા ત્યારે તે યોદ્ધાની જેમ મેદાન પર ઊભો રહ્યો હતો. પંતે 31 બોલમાં 6 ચોગ્ગાની મદદથી શાનદાર 42 રન બનાવ્યા હતા. ટીમના સ્કોરમાં તેનો મોટો ફાળો હતો. પંતે વિકેટકીપિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઘણા શાનદાર કેચ લીધા હતા.
હાર્દિક પંડ્યા
ટીમ ઈન્ડિયાનો વાઈસ કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગમાં કમાલ કરી શક્યો ન હતો, પરંતુ તેણે બોલિંગમાં પોતાના શાનદાર પ્રદર્શનથી દિલ જીતી લીધા હતા. પંડ્યાએ 4 ઓવરમાં 24 રન આપીને 2 વિકેટ લીધી હતી.
અક્ષર પટેલ
અક્ષર પટેલે ઓલરાઉન્ડ પરફોર્મન્સ આપ્યું હતું. તેણે 18 બોલમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 રન બનાવ્યા હતા. આ પછી તેણે બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું. અક્ષરે 2 ઓવરમાં 11 રન આપીને ઉસ્માન ખાનની વિકેટ લીધી હતી.
જસપ્રીત બુમરાહ
બૂમ-બૂમ બુમરાહ આ મેચનો સૌથી મોટો હીરો હતો. તેણે 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. બુમરાહે કેપ્ટન બાબર આઝમને 13 રન, મોહમ્મદ રિઝવાનને 31 રન અને ઈફ્તિખાર અહેમદને 5 રનમાં આઉટ કરીને મોટી વિકેટો લીધી હતી. બુમરાહે 19મી ઓવરમાં શાનદાર બોલિંગ કરી હતી. તેણે આ ઓવરમાં માત્ર 3 રન આપ્યા અને એક વિકેટ લીધી હતી. બુમરાહની શાનદાર બોલિંગનો પાકિસ્તાનના બેટ્સમેન પાસે કોઈ જવાબ નહોતો.
અર્શદીપ સિંહ
અર્શદીપ પ્રથમ 3 ઓવરમાં એક પણ વિકેટ લઈ શક્યો ન હતો, પરંતુ તેણે છેલ્લી ઓવરમાં દિલ જીતી લેનારો સ્પેલ ફેંક્યો હતો. અર્શદીપે છેલ્લી ઓવરમાં 11 રન આપીને ઈમાદ વસીમની મહત્વની વિકેટ લીધી હતી. પાકિસ્તાનને છેલ્લી ઓવરમાં 18 રન બનાવવાના હતા, પરંતુ અર્શદીપની મક્કમ બોલિંગે તેને 113 રન સુધી રોકી દીધી હતી. અર્શદીપે પણ 19મી ઓવરમાં ઈફ્તિખાર અહેમદનો શાનદાર કેચ લીધો હતો.