- ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે ફાઈનલ
- આ મેચ રાહુલ દ્રવિડની કોચ તરીકે છેલ્લી મેચ હશે
- આ વર્લ્ડકપ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે
ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડને હરાવીને ફાઇનલમાં પહોંચી ગઈ છે. જ્યાં તેનો સામનો 29 જૂને બાર્બાડોસમાં સાઉથ આફ્રિકા સામે થશે. ભારતીય ટીમ ફાઈનલમાં પ્રથમ વખત સાઉથ આફ્રિકા સામે ટકરાશે. આવી સ્થિતિમાં બંને ટીમો માટે પડકાર સમાન હશે. બાર્બાડોસમાં યોજાનારી આ મહત્વપૂર્ણ મેચ પહેલા કોચ રાહુલ દ્રવિડનું એક નિવેદન ચર્ચામાં છે.
રાહુલ દ્રવિડે આપ્યો જવાબ
ટીમ ઈન્ડિયાના કોચ તરીકે રાહુલ દ્રવિડની આ છેલ્લી ટૂર્નામેન્ટ છે. આ વર્લ્ડકપ બાદ તેમનો કાર્યકાળ સમાપ્ત થશે. આવી સ્થિતિમાં એવી ચર્ચા ચાલી રહી છે કે વર્લ્ડકપ જીતીને દ્રવિડને શાનદાર વિદાય આપવી જોઈએ. ઘણા દિગ્ગજોએ એ વાતનું સમર્થન કર્યું છે કે કરોડો ભારતીય પ્રશંસકો તેમજ રાહુલ દ્રવિડ માટે ટીમ ઈન્ડિયાએ આ વર્લ્ડકપ જીતવો જોઈએ. સોશિયલ મીડિયા પર પણ ‘ડુ ઈટ ફોર દ્રવિડ’ અભિયાન ચાલી રહ્યું છે. આવી સ્થિતિમાં તે આ અંગે શું વિચારે છે તેનો જવાબ દ્રવિડે પોતે જ આપ્યો છે.
આ મારા વિશ્વાસ વિરુદ્ધ છે
સાઉથ આફ્રિકા સામેની મેચ પહેલા રાહુલ દ્રવિડે કહ્યું- હું 'કોઈના માટે કરો'માં વિશ્વાસ કરતો નથી. જ્યારે કોઈ પૂછે - તમે માઉન્ટ એવરેસ્ટ કેમ ચઢવા માંગો છો? અને તે કહે છે- હું માઉન્ટ એવરેસ્ટ પર ચઢવા માંગુ છું કારણ કે તે ત્યાં છે. મને આ વસ્તુ સૌથી વધુ ગમે છે. હું વર્લ્ડકપ જીતવા માંગુ છું કારણ કે તે ત્યાં છે. આ કોઈના માટે નથી. હું માત્ર સારું ક્રિકેટ રમીને વર્લ્ડકપ જીતવામાં માનું છું.
રાહુલ દ્રવિડ નવેમ્બર 2021માં કોચ બન્યા હતા
રાહુલ દ્રવિડે નવેમ્બર 2021માં કોચનું પદ સંભાળ્યું હતું. જો કે અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ તેના કોચ હેઠળ કોઈ આઈસીસી ટ્રોફી જીતી નથી. ટીમ ઈન્ડિયા 2022માં T20 વર્લ્ડકપની સેમિફાઈનલ, 2023માં વર્લ્ડટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ અને ODI વર્લ્ડકપની ફાઈનલમાં પહોંચી હતી, પરંતુ તેને હારનો સામનો કરવો પડ્યો હતો. વર્લ્ડકપ બાદ ભારતીય ટીમ ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. જ્યાં તેની સાથે નવો કોચ જઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વીવીએસ લક્ષ્મણ આ પ્રવાસમાં ભારતીય કોચ બની શકે છે. જો કે આ પછી ગૌતમ ગંભીર કાયમી કોચ તરીકે પદ સંભાળે તેવી ચર્ચા છે.