- T20 વર્લ્ડકપ 2024 પહેલા પાકિસ્તાનની મોટી ચાલ
- સંન્યાસ લઈ ચૂકેલા ખેલાડીને ટીમમાં પાછા બોલાવ્યા
- ઈમાદ વસીમ અને મોહમ્મદ આમિરે નિવૃત્તિ પાછી ખેંચી
તમામ ટીમો T20 વર્લ્ડકપ 2024 માટે પોતાની અંતિમ ટીમ માટે રણનીતિ તૈયાર કરી રહી છે. વર્લ્ડકપ 2023ની નિષ્ફળતા બાદ હવે પાકિસ્તાનની ટીમનું ધ્યાન આગામી T20 વર્લ્ડકપ 2024 પર છે. T20 વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમમાં બે દિગ્ગજ ખેલાડીઓની વાપસી થઈ શકે છે. વાસ્તવમાં, આ બંને ખેલાડીઓએ અગાઉ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી હતી પરંતુ હવે T20 વર્લ્ડકપ પહેલા બંને ખેલાડીઓએ નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. ગઈકાલે ઓલરાઉન્ડર ઈમાદ વસીમે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી. જે બાદ હવે અન્ય એક ખેલાડીએ નિવૃત્તિ પાછી લઈ લીધી છે અને T20 વર્લ્ડ કપ 2024 માટે પાકિસ્તાન ટીમમાં તેની ઉપલબ્ધતાનો સંકેત આપ્યો છે.
ઇમાદ વસીમનો યુ-ટર્ન
ઇમાદ વસીમે પાકિસ્તાન સુપર લીગ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પણ શાનદાર પ્રદર્શન કરીને, ઇમાદે તેની ટીમ ઇસ્લામાબાદ યુનાઇટેડને ટાઇટલ જીતવામાં મદદ કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જે બાદ પાકિસ્તાન T20 ટીમના કેપ્ટન શાહીન આફ્રિદીએ ઈમાદ વસીમને સંન્યાસ પરત લેવા માટે કહ્યું હતું. જે બાદ ઇમાદે નિવૃત્તિ પાછી ખેંચી લીધી હતી.
મોહમ્મદ આમિરે નિવૃત્તિ પાછી ખેંચી
હવે પાકિસ્તાન ટીમના અનુભવી ઝડપી બોલર મોહમ્મદ આમિરે પણ નિવૃત્તિ પાછી ખેંચી લીધી છે. જે બાદ હવે મોહમ્મદ આમિર પણ T20 વર્લ્ડ કપ 2024 માટે ઉપલબ્ધ થવા જઈ રહ્યો છે. આમિરે નિવૃત્તિ પાછી ખેંચી લીધા બાદ ફેન્સના ચહેરા પણ ચમકી ઉઠ્યા હતા. સોશિયલ મીડિયા પર ફેન્સ સતત પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મોહમ્મદ આમિર પર પણ ફિક્સિંગનો આરોપ લાગ્યો હતો, જેના પછી તેની કારકિર્દી જોખમમાં આવી ગઈ હતી. વર્ષ 2021માં મોહમ્મદ આમિરે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય લીધો હતો. તાજેતરમાં પાકિસ્તાન સુપર લીગમાં આમિરનું પ્રદર્શન ઘણું શાનદાર રહ્યું હતું. આમિરે 9 મેચમાં 10 વિકેટ લીધી હતી.