- 13 જૂને ન્યુઝીલેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ રમાશે મેચ
- ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં રમાશે મેચ
- ન્યુઝીલેન્ડ ટીમ માટે કરો યા મરોનો મુકાબલો
T20 વર્લ્ડકપ 2024ની 26મી મેચ સૌથી રોમાંચક મેચોમાંથી એક બનવા જઈ રહી છે. આ મેચમાં બે વખતની ચેમ્પિયન ટીમ વેસ્ટ ઈન્ડિઝનો મુકાબલો ન્યુઝીલેન્ડ સામે થશે. ગ્રુપ સીની આ સૌથી મહત્વપૂર્ણ મેચ હશે. બંને ટીમો ત્રિનિદાદના બ્રાયન લારા સ્ટેડિયમમાં ટકરાશે. આ મેચ 13 જૂને ભારતીય સમય અનુસાર સવારે 06:00 વાગ્યે રમાશે. આ મેચ એક ટીમ માટે કરો યા મરો જેવી હશે.
આ ટીમ માટે કરો યા મરોનો મુકાબલો
જો ન્યુઝીલેન્ડ T20 વર્લ્ડકપમાં પોતાની આશા જીવંત રાખવા ઈચ્છે છે તો તેણે યજમાન વેસ્ટ ઈન્ડિઝ સામેની કરો યા મરો મેચમાં વધુ સારું પ્રદર્શન કરવું પડશે અને કોઈપણ કિંમતે જીત મેળવવી પડશે. વાસ્તવમાં જો આ મેચમાં કિવી ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે હારી જાય છે તો T20 વર્લ્ડકપમાં તેની સફર લગભગ ખતમ થઈ જશે. અફઘાનિસ્તાન ગ્રુપ સીમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહ્યું છે. ન્યૂઝીલેન્ડ તેની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે હારી ગયું છે અને તે ટેબલમાં છેલ્લા સ્થાને છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમે તેની બંને મેચ જીતી લીધી છે. આવી સ્થિતિમાં ન્યુઝીલેન્ડને સુપર-8ની રેસમાં રહેવા માટે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે.ટ
ન્યુઝીલેન્ડના બેટ્સમેનોએ પોતાની તાકાત બતાવવી પડશે
અફઘાનિસ્તાન સામેની છેલ્લી મેચમાં ન્યૂઝીલેન્ડના બેટ્સમેનો દેખાવ કરી શક્યા ન હતા અને તેમની આખી ટીમ 15.2 ઓવરમાં 75 રનમાં આઉટ થઈ ગઈ હતી. જેના કારણે તેને 84 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ કારણે તેમનો નેટ રન રેટ પણ ખોરવાઈ ગયો છે અને તેઓ ગ્રુપ સીમાં સૌથી નીચેના સ્થાને છે. વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. તે છેલ્લા ત્રણ વનડે વર્લ્ડકપ અને ત્રણ T20 વર્લ્ડકપની સેમીફાઈનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ આ વખતે તેના માટે પડકાર આસાન નથી. તેના માત્ર બે બેટ્સમેન અફઘાનિસ્તાન સામે બે આંકડા સુધી પહોંચી શક્યા હતા. કેન વિલિયમસનની આગેવાની હેઠળની ટીમે હવે તે પ્રદર્શનને ભૂલીને વેસ્ટ ઈન્ડિઝ સામે સારું રમવું પડશે.