- ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યો
- રોહિત શર્માએ T20I ક્રિકેટમાંથી સંન્યાસની કરી જાહેરાત
- હવે ભારતીય કેપ્ટનની રેસમાં 4 ખેલાડીઓ સામેલ
ભારતીય ટીમે T20 વર્લ્ડકપ 2024ની ફાઈનલ મેચમાં સાઉથ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ વખત વર્લ્ડકપનો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચ જીત્યા બાદ રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાનો નિર્ણય લીધો હતો. જે બાદ હવે મોટો સવાલ એ છે કે T20 ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે?
1. શુભમન ગિલ
ટીમ ઈન્ડિયાના યુવા ઓપનિંગ બેટ્સમેન શુભમન ગિલને ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ગિલ પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતો જોવા મળશે. અગાઉ IPL 2024માં ગિલ ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશિપ કરતો જોવા મળ્યો હતો. આવી સ્થિતિમાં જો ગિલની કપ્તાનીમાં ઝિમ્બાબ્વે પ્રવાસ પર ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહેશે તો તેને આગામી કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવી શકે છે.
2. હાર્દિક પંડ્યા
T20 વર્લ્ડકપમાં હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાનો વાઇસ કેપ્ટન હતો. આ વર્લ્ડકપમાં હાર્દિકે શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાઇનલમાં પંડ્યાએ ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હવે T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી રોહિત શર્માની નિવૃત્તિ બાદ એક મોટો સવાલ સામે આવી રહ્યો છે કે ટીમ ઈન્ડિયાનો આગામી કેપ્ટન કોણ હશે, જેમાં હાર્દિક પંડ્યાનું નામ સૌથી પહેલા લેવામાં આવી રહ્યું છે. હાર્દિક પાસે કેપ્ટનશિપનો સારો અનુભવ છે, તેની કેપ્ટન્સીમાં ઘણી T20 સિરીઝ પણ જીતી છે. આ સિવાય હાર્દિકે IPLની ત્રણ સિઝનમાં કેપ્ટનશિપ પણ કરી છે.
3. સૂર્યકુમાર યાદવ
રોહિત બાદ T20 ટીમનો કેપ્ટન બનવા માટે ટીમ ઈન્ડિયાના વિસ્ફોટક બેટ્સમેન સૂર્યકુમાર યાદવનું નામ પણ સામે આવી રહ્યું છે. સૂર્યકુમાર T20 ક્રિકેટના શ્રેષ્ઠ બોલરોમાંથી એક છે. T20 વર્લ્ડકપમાં પણ સૂર્યાનું પ્રદર્શન ઘણું સારું રહ્યું હતું. સૂર્યકુમાર યાદવ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ કરી ચૂક્યો છે. સૂર્યાની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકાને હરાવ્યું હતું.
4. શ્રેયસ ઐયર
ટીમ ઈન્ડિયાના શાનદાર મિડલ ઓર્ડર બેટ્સમેન શ્રેયસ ઐયર અત્યારે ભલે ટીમ ઈન્ડિયામાંથી બહાર હોય પરંતુ તે કેપ્ટનશિપ માટે પોતાનો દાવો પણ રજૂ કરી શકે છે. આ વખતે કોલકાતા નાઈટ રાઈડર્સે શ્રેયસ ઐયરની કેપ્ટનશીપ હેઠળ આઈપીએલ 2024નો ખિતાબ જીત્યો હતો.