• T20 વર્લ્ડકપમાં ભારત પ્રથમ મેચ આયર્લેન્ડ સામે રમશે
  • ભારતે બાંગ્લાદેશને વોર્મ-અપ મેચમાં 60 રનથી હરાવ્યું
  • આ વોર્મ-અપ મેચમાં સંજુ સેમસન ફ્લોપ રહ્યો હતો

ભારતીય ટીમ 5 જૂનથી T20 વર્લ્ડકપ 2024માં પોતાના અભિયાનની શરૂઆત કરવા જઈ રહી છે. રોહિત એન્ડ કંપનીની પ્રથમ મેચ આયર્લેન્ડ સાથે થશે. આ પહેલા ટીમ ઈન્ડિયા અને બાંગ્લાદેશ વચ્ચે વોર્મ-અપ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 60 રને જીતી લીધી હતી. આ મેચમાં વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતની વિસ્ફોટક ઇનિંગ જોવા મળી હતી. આ સિવાય વાઇસ કેપ્ટન હાર્દિક પંડ્યાએ પણ શાનદાર ઇનિંગ રમીને કમબેકના સંકેત દેખાડી દીધા છે. બે ખેલાડીઓએ વોર્મ અપ મેચમાં પોતાના ખરાબ પ્રદર્શનથી ટીમને નિરાશ કરી હતી. જે બાદ આ ખેલાડીઓને ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવનમાંથી દૂર કરવામાં આવી શકે છે.

1. સંજુ સેમસન

આ વખતે વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસનને પણ વર્લ્ડકપ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યો છે. સંજુએ IPL 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. જેના કારણે તેને ટીમ ઈન્ડિયામાં જગ્યા મળી છે. જોકે, વોર્મ-અપ મેચમાં જ સંજુ ફ્લોપ રહ્યો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયાના સંજુ સેમસને કેપ્ટન રોહિત શર્મા સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. મેચમાં સંજુએ 6 બોલનો સામનો કર્યો અને માત્ર એક રન બનાવ્યો. બીજા વિકેટકીપર બેટ્સમેનના વિકલ્પ તરીકે સંજુને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. રિષભ પંતની શાનદાર ઇનિંગ્સ બાદ એવું લાગી રહ્યું છે કે પ્લેઇંગ ઇલેવનમાં સંજુની જગ્યાએ પંતને તક મળી શકે છે.

2. શિવમ દુબે

ઓલરાઉન્ડર શિવમ દુબેની પણ વર્લ્ડ કપ જેવી મોટી ટૂર્નામેન્ટ માટે પ્રથમ વખત ટીમ ઈન્ડિયામાં પસંદગી કરવામાં આવી છે. વોર્મ-અપ મેચમાં શિવમને બેટ અને બોલ બંનેથી પ્રદર્શન કરવાની તક મળી. દુબેએ બોલિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું તો બેટિંગમાં ફરી એકવાર નિરાશ કર્યો. બેટિંગ કરતી વખતે શિવમે 16 બોલમાં 14 રન બનાવ્યા હતા. આ સિવાય બોલિંગ કરતી વખતે તેણે 3 ઓવરમાં 13 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. બેટિંગમાં શિવમનું આ ખરાબ પ્રદર્શન તેને પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર કરી શકે છે.

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ ઈલેવન

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રિષભ પંત (વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ.

  • Follow us on: