- ભારતીય ટીમ 6 જુલાઈથી ઝિમ્બાબ્વે સામે સિરીઝ રમશે
- આ સિરીઝમાં ટીમ ઈન્ડિયાની કમાન શુભમન ગિલના હાથમાં
- ગિલને કેપ્ટન બનાવવાનો BCCIનો નિર્ણય યોગ્ય: સેહવાગ
ભારતીય ટીમ આ દિવસોમાં વર્લ્ડકપમાં ધૂમ મચાવી રહી છે. રોહિત એન્ડ કંપની હવે સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. વર્લ્ડકપ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે. આ અંગે ટીમ ઈન્ડિયાની પણ જાહેરાત કરવામાં આવી છે.
આ પ્રવાસમાં શુભમન ગિલ ટીમ ઈન્ડિયાના કેપ્ટન હશે, જ્યારે T20 વર્લ્ડકપમાં રમી રહેલા મોટાભાગના ખેલાડીઓને આ સિરીઝમાંથી આરામ આપવામાં આવશે. કેપ્ટન રોહિત શર્માથી લઈને વિરાટ કોહલી આ પ્રવાસ પર નહીં જાય. હવે ટીમ ઈન્ડિયાના પૂર્વ વિસ્ફોટક બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગે શુભમન ગિલને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ આપવા અંગે મોટું નિવેદન આપ્યું છે.
'BCCIનો સાચો નિર્ણય'
ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વે પ્રવાસ પર 5 મેચની T20 સીરીઝ રમવા જઈ રહી છે. સિરીઝની પ્રથમ મેચ 6 જુલાઈથી રમાશે. ગિલને કેપ્ટન બનાવવા અંગે વીરેન્દ્ર સેહવાગે કહ્યું કે ગિલને કેપ્ટન બનાવવાનો BCCIનો નિર્ણય યોગ્ય છે. રોહિતના ગયા બાદ ગિલ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનવા માટે સારો ઉમેદવાર છે. તે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટ પણ રમે છે. ગિલ લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાયેલા રહેશે.
વર્લ્ડકપમાં રિઝર્વ ખેલાડી
શુભમન ગિલને T20 વર્લ્ડકપ 2024 માટે 15 સભ્યોની ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો, પરંતુ તેને રિઝર્વ ખેલાડી તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. આ પછી BCCIએ ગિલને ટૂર્નામેન્ટની વચ્ચે છોડી દીધો. હવે ગિલને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાની કમાન સોંપવામાં આવી છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, સંજુ સેમસન (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રિયાન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, આવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, તુષાર દેશપાંડે.