- T20 વર્લ્ડકપ 2024ની વિજેતા બની ભારતીય ટીમ
- હવે પોતપોતાના ઘરે પહોંચી રહ્યા છે ખેલાડીઓ
- મોહમ્મદ સિરાજે ઘરે પોતાની માતાને પહેરાવ્યો મેડલ
T20 વર્લ્ડકપ 2024ની વિજેતા ભારતીય ટીમના ખેલાડીઓ હવે પોતપોતાના ઘરે પહોંચી રહ્યા છે. વિજેતા ટીમના ખેલાડીઓ ગુરુવારે સવારે બાર્બાડોસથી સીધા નવી દિલ્હી પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં ખેલાડીઓને મળ્યા હતા. આ પછી મુંબઈમાં BCCI દ્વારા ચેમ્પિયન ખેલાડીઓનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ટી-20 વર્લ્ડકપ 2024ની ચમકતી ટ્રોફી સાથે ખુલ્લી બસમાં સવાર થઈને ખેલાડીઓ ચાહકોનું અભિવાદન સ્વીકારી રહ્યા હતા.
હવે જ્યારે ખેલાડીઓ પોતપોતાના ઘરે પહોંચી રહ્યા છે ત્યારે ત્યાં પણ તેમનું અલગ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન મોહમ્મદ સિરાજની એક તસવીર પણ સામે આવી છે જે વાયરલ થઈ રહી છે.
હૈદરાબાદમાં રોડ શો યોજાયો
વર્લ્ડ ચેમ્પિયન ટીમના સભ્ય મોહમ્મદ સિરાજ શુક્રવારે રાત્રે હૈદરાબાદ પહોંચ્યા હતા. અહીં એકઠા થયેલા હજારો ક્રિકેટ ચાહકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. હૈદરાબાદ ક્રિકેટ એસોસિએશનના નેતૃત્વ હેઠળ મોહમ્મદ સિરાજના સ્વાગત માટે મેહદીપટ્ટનમ દેવી હોસ્પિટલથી ઇદગાહ ગ્રાઉન્ડ સુધી ભવ્ય રોડ શો કાઢવામાં આવ્યો હતો. આ દરમિયાન ઘણા બધા ફટાકડા ફોડવામાં આવ્યા હતા અને લોકો દેશભક્તિના ગીતો પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
ઘરે પહોંચ્યા પછી સિરાજે શું કર્યું?
રોડ શો બાદ ઘરે પહોંચેલા મોહમ્મદ સિરાજ સૌથી પહેલા તેની માતાને મળ્યા હતા. મોહમ્મદ સિરાજે તેનો વર્લ્ડકપ મેડલ તેની માતાને આપ્યો હતો. આ પ્રસંગે સિરાજની માતા ભાવુક જોવા મળી હતી. સિરાજે તેની માતાએ પહેરેલા મેડલનો ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો, જેને ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ ફોટો થોડા જ કલાકોમાં વાયરલ થઈ ગયો.
ગ્રુપ સ્ટેજમાં દેખાયો સિરાજનો દમ
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજમાં 3 મેચ રમી હતી. જોકે, સુપર-8 મેચ વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી જેમાં સ્પિન બોલરોને મદદ મળી રહી હતી. તેથી મોહમ્મદ સિરાજની જગ્યાએ કુલદીપ યાદવને પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો હતો. મોહમ્મદ સિરાજે ગ્રુપ સ્ટેજની 3 મેચમાં બે વખત ફિલ્ડિંગ મેડલ એવોર્ડ જીત્યો હતો. જોકે, મોહમ્મદ સિરાજ 3 મેચમાં માત્ર 1 વિકેટ લઈ શક્યો હતો.
વડાપ્રધાનને મળવાનો અનુભવ શેર કર્યો
મોહમ્મદ સિરાજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા બાદની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી અને કેપ્શનમાં લખ્યું, “વડાપ્રધાનને મળવું ખૂબ જ સન્માનની વાત છે. ગર્વની ક્ષણ. તમારા માર્ગદર્શન અને હંમેશા મને પ્રોત્સાહિત કરવા બદલ આભાર સર. અમે ભારતના ધ્વજને ઊંચો લહેરાતો રાખવા સખત મહેનત કરતા રહીશું. જય હિંદ"