- વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી લીધો સંન્યાસ
- વિરાટ કોહલીનું T20I ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન
- 2010માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ T20I ડેબ્યૂ કર્યું હતું
T20 વર્લ્ડકપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ T20I ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી હતી. મેચ બાદ વિરાટ કોહલીએ નિવૃત્તિ અંગે આપેલું નિવેદન સાંભળીને વિશ્વભરના કરોડો ક્રિકેટ પ્રેમીઓ નિરાશ થયા હતા.
વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લીધી છે તે વાતને ફેન્સ હજુ પણ સ્વીકારી શકતા નથી. કોહલીએ ફાઇનલમાં ટીમ ઇન્ડિયા માટે શાનદાર ઇનિંગ રમી અને તેના T20 ઇન્ટરનેશનલ ક્રિકેટનો અંત લાવી દીધો. કોહલીની T20 ઈન્ટરનેશનલ કરિયર ઘણી શાનદાર રહી છે.
કોહલીએ પોતાની કારકિર્દીમાં 125 મેચ રમી છે
વિરાટ કોહલીને ટીમ ઈન્ડિયાની બેટિંગનો જીવ માનવામાં આવે છે. વિરાટ જ્યારે પણ મેદાન પર હોય છે ત્યારે તેનામાં એક અલગ જ એનર્જી હોય છે પરંતુ હવે વિરાટ T20I ક્રિકેટમાં રમતા જોવા નહીં મળે. કોહલીએ 2010માં ઝિમ્બાબ્વે વિરૂદ્ધ T20I ડેબ્યૂ કર્યું હતું. પોતાની 10 વર્ષની લાંબી કારકિર્દીમાં વિરાટે ટીમ ઈન્ડિયા માટે 125 T20I મેચ રમી છે. જેમાં તેના નામે 137.04ના સ્ટ્રાઈક રેટથી 4188 રન છે. આ દરમિયાન કોહલીએ 38 ફિફ્ટી અને એક સદી ફટકારી છે.
મેચ બાદ વિરાટે શું કહ્યું?
નિવૃત્તિની જાહેરાત કરતા વિરાટ કોહલીએ કહ્યું કે આ મારો છેલ્લો T20 વર્લ્ડકપ અને આ મારી છેલ્લી T20I મેચ પણ છે. હવે આવનારી પેઢીને આગળ વધારવાનો સમય આવી ગયો છે. હવે આવનારી પેઢી T20 ક્રિકેટને આગળ લઈ જશે. જો અમે હારી ગયા હોત તો પણ મારો નિર્ણય એવો જ હોત.
T20 વર્લ્ડકપમાં વિરાટનું પ્રદર્શન
T20 વર્લ્ડકપમાં આ વખતે વિરાટનું બેટ એટલું સારું પ્રદર્શન કરી શક્યું ન હતું, પરંતુ ટૂર્નામેન્ટની અંતિમ મેચમાં કોહલીએ સાઉથ આફ્રિકા સામે 76 રનની ઇનિંગ રમીને ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. T20 વર્લ્ડકપમાં વિરાટ કોહલીએ 128.31ના સ્ટ્રાઈક રેટથી 1292 રન બનાવ્યા છે. આ દરમિયાન કોહલીએ 15 ફિફ્ટી ફટકારી છે.