- T20 વર્લ્ડકપમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ફાઇનલ રમાઇ
- ટીમ ઈન્ડિયા આ મેચ 7 રને જીતી ચેમ્પિયન બન્યું
- કોહલીએ ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી
T20 વર્લ્ડકપ 2024માં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રોમાંચક ફાઈનલ મેચ રમાઈ હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચ 7 રને જીતીને ટાઈટલ પોતાના નામે કર્યું. આ મેચમાં વિરાટ કોહલીએ ટીમ ઈન્ડિયા માટે શાનદાર ઈનિંગ રમી હતી. એવા સમયે જ્યારે ટીમ ઈન્ડિયાની 3 વિકેટ 34 રનમાં ઝડપથી પડી ગઈ હતી, ત્યારે વિરાટે માત્ર એક છેડો સંભાળ્યો ન હતો પરંતુ ટીમ માટે જરૂરી રન પણ બનાવ્યા હતા. કોહલીએ ભારતને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
કોહલીએ છેલ્લી T20Iમાં એક ખાસ રેકોર્ડ બનાવ્યો
વિરાટ કોહલીએ દક્ષિણ આફ્રિકા સામેની ફાઈનલ મેચમાં 59 બોલમાં 76 રનની ઈનિંગ રમી હતી. પોતાની ઇનિંગ દરમિયાન કોહલીએ 6 ફોર અને 2 શાનદાર સિક્સર ફટકારી હતી. જેના કારણે ટીમ ઈન્ડિયા 176 રન બનાવી શકી હતી. કોહલીની આ શાનદાર ઇનિંગ માટે તેને પ્લેયર ઓફ ધ મેચ પણ પસંદ કરવામાં આવ્યો હતો.
T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ પ્લેયર ઓફ મેચનો રેકોર્ડ હવે વિરાટ કોહલીના નામે છે. કોહલી 16 વખત પ્લેયર ઓફ ધ મેચ બન્યો છે. આ મામલે વિરાટે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે. સૂર્યકુમાર યાદવને 15 વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ મળ્યો છે.
વર્લ્ડકપ 2024 ના રહ્યો ખાસ
ફાઇનલ મેચ સિવાય ટી20 વર્લ્ડકપ 2024 વિરાટ કોહલી માટે ખાસ ન હતો. કોહલી દરેક મેચમાં ફ્લોપ સાબિત થઈ રહ્યો હતો. આ વખતે કોહલી રોહિત શર્મા સાથે ઇનિંગની શરૂઆત કરતો જોવા મળ્યો હતો. જેમાં કોહલી ફ્લોપ સાબિત થયો હતો.
આ વર્લ્ડકપમાં વિરાટે 151 રન બનાવ્યા હતા, જે દરમિયાન તેણે માત્ર એક અડધી સદી ફટકારી હતી. ફાઈનલ મેચ પહેલા કોહલીના નામે માત્ર 75 રન હતા. ટીમ ઈન્ડિયા ચેમ્પિયન બનતાની સાથે જ વિરાટ કોહલીએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી દીધી હતી. ફેન્સને કોહલીના આ નિર્ણય પર વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે.