- T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે
- વર્લ્ડકપ માટે ટીમની જાહેરાત IPL દરમિયાન થશે
- IPLના પ્રદર્શન આધારે ખેલાડીઓને મળશે સ્થાન
IPL 2024 પછી તરત જ T20 વર્લ્ડકપ 2024 શરૂ થશે. IPLની 17મી સિઝનની ફાઇનલ મેચ 26 મેના રોજ રમાશે, જ્યારે T20 વર્લ્ડકપ 2024ની શરૂઆત 1 જૂનથી થશે. આવી સ્થિતિમાં વર્લ્ડકપ માટે ભારતીય ટીમની જાહેરાત IPL 2024 દરમિયાન જ કરવામાં આવશે. IPLમાં સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓ જ વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં જગ્યા બનાવી શકશે. ઉપરાંત, જે ખેલાડીઓ શરમજનક પ્રદર્શન કરે છે તેમનું પત્તુ ટીમમાંથી કપાઈ શકે છે. આ ખેલાડીઓમાં મોહમ્મદ સિરાજ, યશસ્વી જયસ્વાલ અને હાર્દિક પંડ્યાનો સમાવેશ થાય છે.
યશસ્વી જયસ્વાલ
યશસ્વી જયસ્વાલને T20 વર્લ્ડકપ 2024માં રોહિત શર્માના ઓપનિંગ પાર્ટનર તરીકે ગણવામાં આવે છે. જોકે, IPL 2024માં યશસ્વીનું અત્યાર સુધીનું પ્રદર્શન ખૂબ જ નિરાશાજનક રહ્યું છે. તેણે 5 મેચમાં 12.60ની એવરેજ અને 136.95ની સ્ટ્રાઈક રેટથી 63 રન બનાવ્યા છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 24 રન રહ્યો છે. જો યશસ્વી આગામી મેચોમાં સારું પ્રદર્શન નહીં કરે તો તે વર્લ્ડકપની ટીમમાં સ્થાન ગુમાવી શકે છે. તેના સ્થાને શુભમન ગિલ રોહિત શર્મા સાથે ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે.
હાર્દિક પંડ્યા
મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં અત્યાર સુધી પોતાના નામ પ્રમાણે પ્રદર્શન કર્યું નથી. અત્યાર સુધી તેણે 5 મેચમાં માત્ર 129 રન બનાવ્યા છે. તે બોલિંગમાં પણ બિનઅસરકારક સાબિત થયો છે અને તેણે માત્ર 1 વિકેટ લીધી છે. આવી સ્થિતિમાં હાર્દિકના સ્થાને શિવમ દુબે દાવો કરી શકે છે. દુબે નીચલા ક્રમમાં ઝડપી રન બનાવવામાં સક્ષમ છે.
મોહમ્મદ સિરાજ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો મુખ્ય ઝડપી બોલર મોહમ્મદ સિરાજ આ સિઝનમાં તેના શ્રેષ્ઠ ફોર્મમાં દેખાઈ રહ્યો નથી. તે ખૂબ જ મોંઘો સાબિત થઈ રહ્યો છે અને વિકેટ લેવામાં પણ સક્ષમ નથી. આ સિઝનમાં તેણે 6 મેચમાં માત્ર 4 જ સફળતા મળી છે. આ સમયગાળા દરમિયાન સિરાજે 10.40ની ઇકોનોમી પર રન આપ્યા છે. સિરાજને T20 વર્લ્ડકપ 2024માં જસપ્રીત બુમરાહનો પાર્ટનર માનવામાં આવી રહ્યો છે. જો તે ખરાબ પ્રદર્શન કરવાનું ચાલુ રાખશે તો તે વર્લ્ડકપની ટીમમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ જશે.