ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશ સામે રમાયેલી 2 ટેસ્ટ મેચની સિરીઝ 2-0થી જીતી લીધી છે. કાનપુરમાં રમાયેલી બીજી મેચમાં ભારતે બાંગ્લા ટાઈગર્સને શાનદાર બેટિંગ અને બોલિંગથી હરાવ્યું હતું. આ મેચમાં ભારતે ઘણા રેકોર્ડ બનાવ્યા હતા. બીજી મેચ જીત્યા બાદ ભારતે એક ખાસ સિદ્ધિ હાંસલ કરી હતી. ભારતીય ટીમે ઈંગ્લેન્ડને પાછળ છોડી દીધું છે અને સૌથી ઓછી ઓવરની બેટિંગ કરીને ટેસ્ટ જીતનારી દુનિયાની બીજી ટીમ પણ બની ગઈ છે.


ભારતીય ટીમના નામે વિશેષ સિદ્ધિ નોંધાઈ

ભારતે બાંગ્લાદેશ સામે શાનદાર પ્રદર્શન કર્યું અને માત્ર 3 દિવસની રમતમાં મેચ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભારત હવે ટેસ્ટ મેચમાં સૌથી ઓછી ઓવરની બેટિંગ કરીને મેચ જીતનારી દુનિયાની બીજી ટીમ બની ગઈ છે. ભારતે આ મેચમાં 52 ઓવરની બેટિંગ કરી અને 7 વિકેટે મેચ જીતી લીધી. સાઉથ આફ્રિકાના નામે સૌથી ઓછી ઓવર બેટિંગ કરીને મેચ જીતવાનો રેકોર્ડ છે. આફ્રિકાએ 46.5 ઓવરમાં બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી. ત્રીજા સ્થાને ઈંગ્લેન્ડ છે જેણે 61 ઓવરની બેટિંગ કરીને મેચ જીતી લીધી હતી. ચોથા નંબર પર બાંગ્લાદેશ છે જેણે 89.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી. જ્યારે ઓસ્ટ્રેલિયા પાંચમા સ્થાને છે જેણે 101.4 ઓવરમાં મેચ જીતી લીધી હતી.

મેચની સ્થિતિ

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી બીજી મેચમાં બાંગ્લાદેશે પ્રથમ બેટિંગ કરતા 233 રન બનાવ્યા હતા જેના જવાબમાં ભારતે વિસ્ફોટક બેટિંગ કરતા 34.4 ઓવરમાં 285/9 રન બનાવીને દાવ ડિકલેર કર્યો હતો. બીજી ઈનિંગમાં બાંગ્લાદેશ 146 રનમાં સમેટાઈ ગયું હતું. લક્ષ્યનો પીછો કરતા ભારતે 17.2 ઓવરમાં 98/3 રન બનાવીને મેચ જીતી લીધી હતી. હવે ભારતીય ટીમ ટેસ્ટમાં સૌથી ઓછી ઓવરની બેટિંગ કરીને મેચ જીતનારી દુનિયાની બીજી ટીમ બની ગઈ છે.


  • Follow us on: