ન્યુઝીલેન્ડ સામેની ત્રણ મેચની ODI સિરીઝ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટી-20 વર્લ્ડકપ 2024માંથી બહાર હોવા છતાં હરમનપ્રીત કૌરને ટીમની કપ્તાની સોંપવામાં આવી છે. જ્યારે સ્મૃતિ મંધાનાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવી છે. પ્રિયા મિશ્રા, સાયમા ઠાકુર અને તેજલ હસબ્રીસને ભારતીય ટીમે પ્રથમ વખત બોલાવ્યા છે. તે જ સમયે, રિચા ઘોષને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી.
હરમનપ્રીતના હાથમાં છે ટીમની કમાન
T20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમના ગ્રુપ સ્ટેજમાંથી બહાર થયા બાદ એવી અટકળો ચાલી રહી હતી કે હરમનપ્રીત કૌર પાસેથી ટીમની કેપ્ટનશીપ છીનવાઈ શકે છે. જોકે હરમનપ્રીત કેપ્ટન તરીકે યથાવત છે. રિચા ઘોષને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. રિચા તેના 12મા ધોરણના પેપર આપશે અને તેથી જ તેને ટીમમાં તક આપવામાં આવી નથી. આશા શોભનાને પણ ઈજાના કારણે ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ઈજાને કારણે પૂજા વસ્ત્રાકરને પણ આ સિરીઝ માટે આરામ આપવામાં આવ્યો છે.
ત્રણ યુવા ખેલાડીઓને તક મળી
ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝ માટે ટીમમાં ત્રણ યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. પ્રિયા મિશ્રા, સાયમા ઠાકુર અને તેજલ હસનબનીસને પ્રથમ વખત ભારતીય ટીમમાં તક મળી છે. ટી-20 વર્લ્ડકપમાં બેટથી કંઈ અદ્ભુત ન દર્શાવવા છતાં જેમિમાહ રોડ્રિગ્સ ટીમમાં છે. યસ્તિકા ભાટિયા વિકેટકીપરના રોલમાં જોવા મળશે. તેની સાથે ઉમા છેત્રીને પણ ટીમમાં જગ્યા આપવામાં આવી છે.
સિરીઝનું શેડ્યૂલ
ભારતીય ટીમ અને ન્યુઝીલેન્ડ વચ્ચે 24 ઓક્ટોબરથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થશે. સિરીઝની પ્રથમ મેચ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. સિરીઝની બીજી મેચ 27 ઓક્ટોબરે અને છેલ્લી મેચ 29 ઓક્ટોબરે રમાશે. ટી20 વર્લ્ડકપ 2024માં ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ અને ત્યારબાદ ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ હતી, જેના કારણે ટીમનું પ્રથમ વખત વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું ચકનાચૂર થઈ ગયું હતું.