- પૂર્વ દિગ્ગજ ખેલાડી ગૌતમ ગંભીર ભારતીય ટીમના હેડ કોચ બન્યા
- ટીમ ઈન્ડિયાના સપોર્ટિંગ સ્ટાફની પણ શોધ કરવામાં આવી રહી છે
- ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચની રેસમાં ઝહીર ખાન સૌથી આગળ
ગૌતમ ગંભીર ટીમ ઈન્ડિયાનો હેડ કોચ બની ગયો છે. હેડ કોચ બન્યા બાદ આસિસ્ટન્ટ કોચ, બોલિંગ અને ફિલ્ડિંગ કોચની શોધ તેજ થઈ ગઈ છે. વાસ્તવમાં રાહુલ દ્રવિડની સાથે સહાયક સ્ટાફનો કાર્યકાળ પણ ખતમ થઈ ગયો હતો. તેથી, હવે કોચિંગની ભૂમિકાઓ માટે લોકોને નવેસરથી શોધવામાં આવી રહ્યા છે. જ્યારે આસિસ્ટન્ટ કોચ તરીકે અભિષેક નાયરનું નામ સામે આવ્યું છે, ત્યારે પારસ મહામ્બ્રેના કાર્યકાળના અંત પછી બોલિંગ કોચ માટે ઘણા નામો સામે આવ્યા છે.
આ નામો પર ચાલી રહી છે ચર્ચા
સાઉથ આફ્રિકાના પૂર્વ ફાસ્ટ બોલર અને પાકિસ્તાનના બોલિંગ કોચ રહી ચૂકેલા મોર્ને મોર્કેલ, વિનય કુમાર, લક્ષ્મીપતિ બાલાજી અને ઝહીર ખાનના નામ ચર્ચામાં છે. જો કે, એ પણ બહાર આવ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) કોચિંગ સ્ટાફમાં કોઈપણ વિદેશી દિગ્ગજ ખેલાડીને સામેલ કરવાના પક્ષમાં નથી. આવી સ્થિતિમાં મોર્ને મોર્કેલનું નામ મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે.
ઝહીર ખાન બની શકે છે બોલિંગ કોચ
ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચની રેસમાં ઝહીર ખાન સૌથી આગળ છે. ઝહીર ગૌતમ ગંભીર સાથે ટીમ ઈન્ડિયા માટે રમી ચૂક્યો છે. તે તેના સ્વિંગ માટે પ્રખ્યાત હતો. તેણે 92 ટેસ્ટ મેચોમાં 311 વિકેટ, 200 ODI મેચોમાં 282 વિકેટ અને 17 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 17 વિકેટ ઝડપી હતી. આ રીતે ઝહીરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 610 વિકેટ લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે BCCI ઝહીર ખાનના નામ પર સહમત છે. આ અનુભવી બોલર બોલિંગ કોચ બનશે તે લગભગ નિશ્ચિત છે. બીજી તરફ લક્ષ્મીપતિ બાલાજીનું નામ પણ ચર્ચામાં આવ્યું છે. જેણે ટીમ ઈન્ડિયા માટે આઠ ટેસ્ટ મેચમાં 27 વિકેટ લીધી હતી. તેણે 30 ODI મેચમાં 34 વિકેટ લીધી છે.
અભિષેક નાયરના નામ પર સંમતિ
ઘણા અહેવાલોમાં એવું પણ સામે આવ્યું છે કે ગૌતમ ગંભીરે BCCI સમક્ષ 5 સૂચનો રાખ્યા હતા. જેમાંથી ચાર નામંજૂર થયા છે. મોર્ને મોર્કેલનું નામ ગંભીરે જ સૂચવ્યું હતું. જો કે બીસીસીઆઈએ તેને ફગાવી દીધી છે. બીસીસીઆઈએ સહાયક કોચ માટે અભિષેક નાયરના નામ પર સહમતિ દર્શાવી છે.