- વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે
- ભારતીય ટીમ 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપ અભિયાન શરૂ કરશે
- ભારત વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે
આ વખતે વર્લ્ડ કપ 2023નું આયોજન ભારત કરી રહ્યું છે. વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી થશે. આ વર્લ્ડ કપમાં 10 ટીમો ભાગ લેશે. આ દરમિયાન ભારતીય ટીમને વર્લ્ડ કપ 2023 જીતવાની તકો સાથે જોડાયેલા સવાલ પર ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માનું નિવેદન સામે આવ્યું છે.
ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ અને સારા રહે
જ્યારે રોહિત શર્માને પુછવામા આવ્યું કે, શું ભારતીય ટીમ આ વખતે ત્રીજો વર્લ્ડ કપ જીતશે. આ પ્રશ્નનો જવાબ આપતા રોહિત શર્માએ કહ્યું કે, મારી પાસે આનો કોઈ જવાબ નથી. હું આ કેવી રીતે કહી શકું? હમણાં માટે, હું માત્ર આશા રાખી શકું છું કે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ટીમના તમામ ખેલાડીઓ સંપૂર્ણ રીતે ફિટ અને સારા રહે. આટલી જ આશા રાખી શકું છું. આનાથી આગળ હું કશું કહી શકું તેમ નથી. ટીમને સારી સ્થિતિમાં રાખવી એ એક મહત્વપૂર્ણ પરિબળ છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
વર્લ્ડ કપ માટે આ ટીમો છે ફેવરિટ
સ્થાનિક પરિસ્થિતિઓને કારણે ભારતીય ટીમને વર્લ્ડ કપની ફેવરિટ માનવામાં આવે છે. હાલમાં જ ટીમ ઈન્ડિયાએ એશિયા કપ પણ જીત્યો છે. આ સાથે આ વર્ષે આયોજિત ODI દ્વિપક્ષીય શ્રેણીમાં પણ ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. ભારતીય ટીમ હાલમાં ICC ODI રેન્કિંગમાં નંબર-1 પર છે. ભારતની સાથે સાથે ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાનને પણ વર્લ્ડ કપ જીતવાના દાવેદાર માનવામાં આવી રહ્યા છે.
ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપ અભિયાન શરૂ કરશે
વર્લ્ડ કપ 2023ની શરૂઆત 5 ઓક્ટોબરથી ઈંગ્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચથી થશે. ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી વર્લ્ડ કપ અભિયાનની શરૂઆત કરશે. ભારત વર્લ્ડ કપની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે રમશે.