- પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરને સોંપવામાં આવી મોટી જવાબદારી
- ભારતનાં આ લિજેન્ડરી ક્રિકેટર બનશે વર્લ્ડ કપનો મુખ્ય ચહેરો
- સચિને વર્લ્ડ કપમાં બનાવ્યા છે અનેક રેકોર્ડસ
5 ઓક્ટોબરથી વર્લ્ડ કપ 2023 ની શરૂઆત થવા જઈ રહી છે. ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે ટીમ ઈન્ડિયા 8 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયા સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે. પરંતુ આ પહેલા મોટા સમાચાર સામે આવ્યા છે. ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.
સચિન તેંડુલકરને મળી મોટી જવાબદારી
ટીમ ઈન્ડિયાના દિગ્ગજ બેટ્સમેન સચિન તેંડુલકરને કોઈ ઓળખની જરૂર નથી. આઈસીસીએ ક્રિકેટના લીવીંગ લેજન્ડ સચિન તેંડુલકરને મોટી જવાબદારી સોંપી છે. આઈસીસીએ તેમને વર્લ્ડ કપ 2023 માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કર્યા છે. આ પહેલા પણ સચિન 2011 અને 2015માં આ ભૂમિકા ભજવતા જોવા મળ્યા છે.
જય શાહે વર્લ્ડ કપ 2023 પહેલા ગોલ્ડન ટિકિટ આપી હતી
સચિન તેંડુલકરને ICC દ્વારા વર્લ્ડ કપ 2023 માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતાં. પરંતુ આ પહેલા બીસીસીઆઈએ પણ તેમના સન્માનમાં કોઈ કસર છોડી ન હતી. BCCI સેક્રેટરી જય શાહે વર્લ્ડકપની શરૂઆત પહેલા તેમને ગોલ્ડન ટિકિટ આપીને તેમનું સન્માન કર્યું હતું.
ગોલ્ડન બેટ બે વાર જીતનાર પ્રથમ ભારતીય
આ સિવાય સચિનને વિશ્વમાં સૌથી વધુ રન બનાવવા બદલ ગોલ્ડ બેટ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ બે વાર જીતનાર તે પ્રથમ ભારતીય છે. કારણ કે 1996ના વર્લ્ડ કપમાં સચિન તેંડુલકરે 523 રન બનાવીને ગોલ્ડન બેટ જીત્યુ હતું. વર્ષ 2003માં તેમણે ભારત માટે 11 મેચમાં 673 રન બનાવ્યા હતા અને બીજી વખત ગોલ્ડન બેટ જીત્યો હતો, જ્યારે રોહિત શર્મા અને રાહુલ દ્રવિડ એક-એક વખત આ ખિતાબ જીતી ચૂક્યા છે.