ભારત અને બાંગ્લાદેશ વચ્ચે 3 મેચની T20 સિરીઝ રમાઈ હતી, જે ભારતે 3-0થી જીતી હતી. છેલ્લી મેચ 12 ઓક્ટોબરે હૈદરાબાદમાં રમાઈ હતી. આ મેચમાં ભારતીય બેટ્સમેનોએ પોતાની પ્રતિભા બતાવી હતી. વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને 40 બોલમાં સદી ફટકારી હતી અને સૂર્યકુમાર યાદવ તરફથી વિસ્ફોટક ફિફ્ટીની ઇનિંગ પણ જોવા મળી હતી. રવિ બિશ્નોઈની 3 વિકેટના કારણે ભારતીય ટીમે આ મેચ 133 રનના વિશાળ અંતરથી જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં આ 5 મહાન રેકોર્ડ પણ પોતાના નામે કર્યા છે.


T20માં સૌથી વધુ વખત 200 રન

ભારતીય ટીમ T20 ફોર્મેટમાં સૌથી વધુ વખત 200 રન બનાવનારી ટીમ બની છે. ભારતે હવે 37 થી વધુ વખત 200 કે તેથી વધુ રન બનાવ્યા છે. આ પહેલા સૌથી વધુ 200 રન બનાવવાનો રેકોર્ડ સમરસેટના નામે હતો જેણે 36 વખત આ સિદ્ધિ મેળવી હતી.

કૅલેન્ડર વર્ષમાં સૌથી વધુ જીત

વર્ષ 2024માં ભારતે અત્યાર સુધીમાં સૌથી વધુ T20 મેચ જીતી છે. ભારતે અત્યાર સુધી 21 T20 મેચ જીતી છે. હાલમાં, ભારત એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ T20 મેચ જીતનારી પ્રથમ ટીમ છે.

સૌથી ઝડપી 100 અને 200 રન

ભારતે T20 ફોર્મેટમાં સૌથી ઝડપી 100 રન બનાવવાની સિદ્ધિ હાંસલ કરી હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં માત્ર 43 બોલમાં 100 રન પૂરા કર્યા હતા. આ સાથે જ ભારતે આ મેચમાં સૌથી ઝડપી 200 રન પૂરા કરવાનો રેકોર્ડ પણ બનાવ્યો હતો. આ મેચમાં ભારતે માત્ર 84 બોલમાં આ સિદ્ધિ મેળવી હતી.

બાઉન્ડ્રી ફટકારવામાં ભારતનું ત્રીજુ સ્થાન

T20માં એક મેચમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારવાના મામલે ભારતીય ટીમ અને બાંગ્લાદેશની ટીમે ત્રીજું સ્થાન મેળવ્યું છે. ભારત-બાંગ્લાદેશ મેચમાં કુલ 70 ફોર અને સિક્સર ફટકારવામાં આવ્યા હતા.

સૌથી વધુ ક્લીન સ્વીપવાળી ટીમ

ભારતીય ટીમે ઘરેલુ T20 સિરીઝમાં સૌથી વધુ ક્લીન સ્વીપ કરવાનો રેકોર્ડ બનાવ્યો હતો. ભારત અત્યાર સુધીમાં 10 વખત ક્લીન સ્વીપ કરી ચૂક્યું છે. પાકિસ્તાન બીજા સ્થાને છે.

  • Follow us on: