ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટ મેચ હવે અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ પ્રથમ ટેસ્ટ મેચમાં હવે 5મા દિવસની રમત બાકી છે અને ન્યૂઝીલેન્ડ પાસે જીતવા માટે નાનું લક્ષ્ય છે. ચોથા દિવસની વાત કરીએ તો ભારતીય ટીમના બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું પરંતુ પ્રથમ દાવમાં 46 રનમાં ઓલઆઉટ થવાને કારણે 450થી વધુનો સ્કોર પણ અપૂરતો રહ્યો હતો.
ભારતીય ટીમ ચોથા દિવસે તેના બીજા દાવમાં 462 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત માટે સરફરાઝ ખાને 150 રનની ઇનિંગ રમી હતી જ્યારે રિષભ પંત તેની સદીથી 1 રન દૂર રહ્યો હતો. પંત 99 રન બનાવીને વિલિયમ ઓ'રુર્કેનો શિકાર બન્યો હતો. પંતે પોતાની ઇનિંગમાં 9 ફોર અને 5 સિક્સર ફટકાર્યા હતા.
ન્યૂઝીલેન્ડને 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો
એક સમયે પંત અને સરફરાઝે ક્રિઝ પર પોતાના પગ જમાવી લીધા હતા. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 150થી વધુ રનની ભાગીદારી થઈ હતી, પરંતુ ત્યારપછી ન્યૂઝીલેન્ડે ભારતીય દાવની 80મી ઓવર બાદ નવો બોલ લીધો હતો, ત્યારબાદ ટીમે 15.2 ઓવરમાં સાત વિકેટ ઝડપી હતી. આ તમામ વિકેટ ઝડપી બોલરોના નામે હતી. પંત અને સરફરાઝ વચ્ચે ચોથી વિકેટ માટે 177 રનની ભાગીદારી થઈ હતી. પંતના આઉટ થયા બાદ કોઈ પણ ભારતીય બેટ્સમેન ક્રિઝ પર ટકી શક્યો ન હતો અને આ રીતે સમગ્ર ભારતીય ટીમ 462 રનમાં સમેટાઈ ગઈ હતી. આ રીતે ન્યૂઝીલેન્ડને જીતવા માટે 107 રનનો ટાર્ગેટ મળ્યો હતો. હવે બધાની નજર પાંચમા દિવસની રમત પર છે.
ભારત પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક
ખરાબ પ્રકાશ અને વરસાદને કારણે, ચોથા દિવસે મેચ નિર્ધારિત સમય કરતાં થોડું વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. ન્યૂઝીલેન્ડની ઓપનિંગ જોડી માત્ર 4 બોલ જ રમી શકી અને પછી મેચ અટકાવી દેવામાં આવી. હવે 5માં દિવસે ન્યુઝીલેન્ડ 107 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરશે. જો કે ભારતીય ટીમ માટે આટલા ઓછા ટાર્ગેટનો બચાવ કરવો ખૂબ મુશ્કેલ છે પરંતુ અશક્ય નથી. ભારતીય ટીમ 107 રનના ટાર્ગેટનો બચાવ કરી ચૂકી છે. 20 વર્ષ પહેલા ટીમ ઈન્ડિયાએ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા જેવી મજબૂત ટીમ સામે 107 રનનો બચાવ કર્યો હતો. હવે ટીમ ઈન્ડિયા પાસે 20 વર્ષ બાદ ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે.
ટેસ્ટમાં બચાવેલ સૌથી ઓછો સ્કોર
- 85- ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, ધ ઓવલ (1882)
- 99- વેસ્ટ ઈન્ડિઝ વિ ઝિમ્બાબ્વે, પોર્ટ ઓફ સ્પેન (2022)
- 107- ભારત વિ ઓસ્ટ્રેલિયા, વાનખેડે (2004)
- 111- ઈંગ્લેન્ડ વિ ઓસ્ટ્રેલિયા, સિડની (1887)
- 111- ઓસ્ટ્રેલિયા વિ ઈંગ્લેન્ડ, ધ ઓવલ (1896)
ટેસ્ટ મેચમાં દરેક ટીમ દ્વારા બચાવેલ સૌથી ઓછો સ્કોર
- ઓસ્ટ્રેલિયા - 85
- વેસ્ટ ઈન્ડિઝ - 99
- ભારત - 107
- ઈંગ્લેન્ડ - 111
- સાઉથ આફ્રિકા - 117
- પાકિસ્તાન - 127
- શ્રીલંકા - 136
- ન્યુઝીલેન્ડ - 137
- બાંગ્લાદેશ - 204
- ઝિમ્બાબ્વે - 235
- અફઘાનિસ્તાન - 398