• આ વર્ષ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ માટે ઘણું સારૂં રહ્યું
  • રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી
  • બીજી ટેસ્ટમાં રવિન્દ્ર જાડેજાની એન્ટ્રી થઇ શકે છે

ભલે ટીમ ઈન્ડિયા વર્ષ 2023માં ODI વર્લ્ડ કપ જીતવામાં સફળ ન રહી હોય, પરંતુ આ વર્ષ ટીમ ઈન્ડિયાના કેટલાક ખેલાડીઓ માટે ઘણું સારૂં પ્રદર્શન રહ્યું છે. ખાસ કરીને ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા માટે વર્ષ 2023 બોલર તરીકે ઘણું સારૂં રહ્યું છે. આ વર્ષે રવિન્દ્ર જાડેજાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લીધી હતી. આ મામલે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્ક અને પાકિસ્તાનના શાહીન શાહ આફ્રિદીને પાછળ છોડી દીધા છે.

જાડેજાએ વર્ષ 2023માં સૌથી વધુ વિકેટ લીધી

વર્ષ 2023માં રવિન્દ્ર જાડેજાએ ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે. રવિન્દ્ર જાડેજાએ વર્ષ 2023માં ત્રણેય ફોર્મેટમાં મળીને સૌથી વધુ 66 વિકેટ લીધી છે. ટીમ ઈન્ડિયાનો સ્પિન બોલર કુલદીપ યાદવ આ યાદીમાં બીજા સ્થાને છે. કુલદીપ યાદવે આ વર્ષે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં 63 વિકેટ લીધી છે. આ યાદીમાં ઓસ્ટ્રેલિયાનો ઝડપી બોલર મિચેલ સ્ટાર્ક પણ 63 વિકેટ સાથે ત્રીજા સ્થાને છે. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીનું નામ આ યાદીમાં 62 વિકેટ સાથે ચોથા સ્થાન પર છે. ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજનું નામ પાંચમા નંબર પર આવે છે. મોહમ્મદ સિરાજે વર્ષ 2023માં 60 વિકેટ પોતાના નામે કરી છે.


બીજી ટેસ્ટમાં જાડેજાની થઇ શકે છે એન્ટ્રી

ભારતીય ટીમ હાલમાં દક્ષિણ આફ્રિકા સાથે 2 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. શ્રેણીની પ્રથમ મેચ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા 0-1થી પાછળ છે. હવે શ્રેણીની બીજી અને છેલ્લી મેચ કેપટાઉનમાં રમાશે. આ મેચમાં રવિન્દ્ર જાડેજા રમે તેવી શક્યતા છે. રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં તક મળી ન હતી.

  • Follow us on: